
મોરબીઃ આજકાલ સોશિયલ મીડિયાનો જમાનો છે. કોઈપણ વસ્તુ અથવા વાત વાયરલ થઈ શકે છે. મોરબીમાં જાગો કાનાભાઈ જાગો…ની પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે.ધારાસભ્ય કાંતિ અમૃતિયા જાગો એવા આશયથી આ પોસ્ટ વાયરલ કરવામાં આવી છે. જેના પર કાંતિ અમૃતિયાએ વીડિયોના માધ્યમથી પ્રતિક્રિયા આપી છે.
જનતાના ચૂંટાયેલા પ્રતિનિધિ જો જનતાનું કામ ન કરે તો લોકો તેને મુદ્દો બનાવી અને સોશિયલ મીડિયા પર વાયરલ કરતા હવે શીખી ગયા છે. અર્થાત લોકો પણ જનતાના પ્રતિનિધિને સબક શીખવાડતા થઈ ગયા છે. વાત જાણે એમ છે કે, વરસાદની સીઝનમાં મોરબીમાં રોડ રસ્તા તૂટવાની સાથે ભૂગર્ભ ગટરો છલકાવી, ગટરના પાણી વહેવા, સફાઈનો અભાવ સહિતના પ્રશ્ને મોરબીના લોકોએ સોશિયલ મીડિયાને માધ્યમ બનાવી વેદના ઠાલવવાનું શરૂ કર્યું હતું. લોકલાડીલા ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાને જાગો કાનાભાઈ જાગોનો ટોણો મારતા જ આજે કાનાભાઈએ વીડિયો સંદેશ થકી કાનાભાઈ જાગેલા જ હોવાનું જણાવી ટૂંક સમયમાં તમામ પ્રશ્નોનો ઉકેલ આવશે તેવું આશ્વાસન આપેલુ હતું. આ સાથે મોરબીના નગરજનોને આગામી થોડા મહિનામાં એટલે કે ઓક્ટોબર માસથી ન ભૂતો ન ભવિષ્યતિ રિઝલ્ટ મળશે તેવી ખાતરી આપી હતી.
કાનાભાઈ તો જાગેલા જ છે…
ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ વીડિયોમાં કહી રહ્યાં છે કે, હમણાં હું જોઉં છુ કે જાગો કાનાભાઈ જાગો, ગુરુવારે કાનાભાઈ મોરબી આવે છે અને સોમવારે ગાંધીનગર જાય છે. અહીંની જે યોજના કામ હોય એ મંજૂર કરવા માટે કાનાભાઈ રાતે બાર વાગ્યે આંટા મારે છે પણ અમુકના પેટમાં તેલ રેડાય છે. વધુ સાંભળો આ વીડિયોમાં કાનાભાઈ શું કહી રહ્યાં છે.
જનતાના લોકલાડીલા કાનાભાઈએ વીડિયો મારફતે પોતાને સાચા સાબિત કરવાના અનેક પ્રયાસ કર્યા છે. પરંતુ મોરબીની જનતા તો ત્યારે જ માનશે જ્યારે તેમના કામો માત્ર આંટાફેરા અને કાગળોથી નહીં હકીકતમાં થતા દેખાશે.






