રાજકોટ: શહેરમાં ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા અને બિલ્ડર ઇન્દ્રનીલ રાજ્યગુરુના પ્રોજકટના હોર્ડિંગ્સથી બિલ્ડરોમાં ખળભળાટ મચી ગયો છે. રાજકોટમાં વિવિધ રસ્તાઑ પર હોડિંગ્સ લાગ્યા હતા. આ હોડિંગ્સ નિલ સિટીમાં આવેલા ગ્રીનવુડ પ્રોજેક્ટના છે. જેમાં લખવામાં આવ્યું છે કે ,સર્વજ્ઞાતિ આવકાર્ય છે’. આ પ્રકારના હોડિંગ્સ લગાવવામાં આવતા સમગ્ર શહેરમાં ચર્ચાઓ શરૂ થઇ હતી.
આ પ્રોજેક્ટના કેટલાક હોડિંગ્સ શહેરના અનેક રસ્તાઓ પર લગાવવામાં આવ્યા હતા જેમાં તમામ જ્ઞાતિના લોકો આવકાર્ય છે તેવું લખવામાં આવ્યું હતું. એવી પણ ચર્ચા છે કે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના મોટા શહેરોમાં અમુક બિલ્ડરો અમુક જ્ઞાતિને ફ્લેટ કે મકાન આપતા નથી. ત્યારે હવે ઇન્દ્રનીલ રાજ્યગુરુએ નવો ચીલો ચિતરવાનો પ્રયાસ કર્યો છે.
હું જ્ઞાતી જાતિમાં માણતો નથી : ઇન્દ્રનીલ
ઇન્દ્રનીલ રાજ્યગુરુ સૌરાષ્ટ્ર કોંગ્રેસના દિગ્ગજ નેતા છે. આ મામલે તેમણે કહ્યુ હતું કે દરેક બિલ્ડરોએ દરેક જ્ઞાતિના લોકોને ફ્લેટ કે મકાન આપવા જોઈએ. દરેક જ્ઞાતિમાં મોટા ભાગના લોકો સારા હોય છે. દરેક જ્ઞાતિના લોકો ખરાબ હોતા નથી. મારા નિર્ણયની સામાજિક ચર્ચાઓ થાય તો તે સારુ છે. હું રાજકારણમાં પણ જ્ઞાતિ અને જાતિમાં માનતો નથી. એવી જ રીતે બિઝનેસમાં પણ હું જ્ઞાતિ અને જાતિમાં માનતો નથી.







