શું માનવીય ગતિવિધિથી ઇકોસિસ્ટમ ગંભીર રીતે પ્રભાવિત થઈ ?
પાણી જેને આમ તો કોઈ રંગ નથી હોતો….પાણીમાં તમે જે પણ રંગ ઉમેરો તે રંગ ધારણ કરી લે છે. પરંતુ તમે ક્યારે વિચાર કર્યો છે કે મહાસાગરમાં પાણીના રંગ અલગ-અલગ છે અને તેના રંગ બદલાઈ રહ્યા છે. જે ભવિષ્યમાં માનવ પ્રજાતિ માટે ભયાનક સાબિત થશે. મહાસાગરોના રંગ બદલાવાના એવા કયા કારણો છે જે ભવિષ્યની ખતરાની નિશાની સમાન છે…જોઈએ અમારા વિશેષ અહેવાલમાં..
ભવિષ્યમાં માનવ પ્રજાતિ માટે ભયાનક સાબિત
આપણી પૃથ્વીના કુલ વિસ્તારના 70 ટકાથી વધુ વિસ્તારમાં સમુદ્રો છે અને તેમાંથી અડધાથી વધુ સમુદ્રનો રંગ બદલાઈ ગયો છે. ચિંતાની વાત એ છે કે આ પરિવર્તનની ગતિ ખૂબ જ ઝડપી છે. વૈજ્ઞાનિકોના મતે સમુદ્રના પાણીના રંગમાં થતો ફેરફાર ભલે નરી આંખે દેખાતો નથી, પરંતુ આ ફેરફાર માત્ર આશ્ચર્યજનક જ નહીં પરંતુ ભયાનક પણ છે.મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી અને યુનાઇટેડ કિંગડમના નેશનલ સેન્ટર ફોર ઓશનોગ્રાફીના સંશોધકોએ એક અભ્યાસમાં શોધી કાઢ્યું છે કે ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જની અસર હવે આપણા દરિયામાં પણ દેખાઇ રહી છે.
પૃથ્વી પર કુલ વિસ્તારના 70 ટકાથી વધુમાં સમુદ્રો
છેલ્લા બે દાયકાથી સમુદ્ર પોતાનો રંગ બદલી રહ્યો
વર્ષ 2002થી 2022 વચ્ચે સમુદ્રના પાણીનો રંગ બદલાયો
56 ટકા સમુદ્ર વાદળીમાંથી લીલા રંગનો થઈ ગયો
વાદળીથી લીલા રંગમાં પરિવર્તન એ ઈકોસિસ્ટમમાં પરિવર્તનનો સંકેત
સમુદ્રનો રંગ બદલાવો એ ભવિષ્ય માટે ચિંતાજનક સંકેત
આ તાજેતરના વૈજ્ઞાનિક સંશોધનમાં એવી માહિતી સામે આવી હતી કે છેલ્લા બે દાયકામાં સમુદ્ર પોતાનો રંગ બદલી રહ્યો છે. આ વૈજ્ઞાનિક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે વર્ષ 2002થી 2022 વચ્ચે સમુદ્રના પાણીનો રંગ બદલાયો છે. જર્નલ નેચરમાં ‘ગ્લોબલ ક્લાઈમેટ ચેન્જ ટ્રેન્ડ્સ ફાઈન્ડ ઇન ઈન્ડિકેટર્સ ઓફ ઓશન ઈકોલોજી‘ શીર્ષકમાં પ્રકાશિત થયેલા વ્યાપક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે છેલ્લા બે દાયકા દરમિયાન 56 ટકા સમુદ્ર વાદળીમાંથી લીલો થઈ ગયો છે. વાસ્તવમાં વાત એવી છે કે હવામાન પરિવર્તનને કારણે, સમુદ્રની સપાટી પર ફાયટોપ્લાંકટોન જીવોની સંખ્યા જંગલી રીતે વધી છે. આ જીવો નાના છોડ જેવા દેખાય છે અને છોડની જેમ જ હરિતદ્રવ્ય ધરાવે છે. ક્લોરોફિલના લીલા રંગને કારણે પાણીની સપાટી પણ લીલી દેખાય છે.
સમુદ્રનો રંગ બદલાવો એ ભવિષ્ય માટે ચિંતાજનક સંકેત
આ સંશોધનમાં વૈજ્ઞાનિકોના મતે સમુદ્રનો રંગ બદલાવો એ ભવિષ્ય માટે ચિંતાજનક સંકેત આપી રહ્યા છે. કારણ કે ફાયટોપ્લાંકટોનના નિર્માણથી સમુદ્રમાં અન્ય દરિયાઈ જીવો માટે જગ્યા ઘટી રહી છે અને પાણીમાં ઓક્સિજનની અછતને કારણે તેમના જીવન જોખમમાં છે. માત્ર દરિયાઈ જીવો જ નહીં પણ માનવીની મોટી વસ્તી પણ દરિયાઈ જીવન પર નિર્ભર છે. ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં મોટી સંખ્યામાં લોકો સી ફૂડ પર નિર્ભર છે, પરંતુ દરિયામાં આવા ડેડ ઝોન બનવાથી દરિયાઈ જીવસૃષ્ટિ ખતમ થઈ જશે અને તેનાથી માનવીની આજીવિકા સામે પણ ખતરો ઉભો થશે.
પાણીનું લીલા રંગમાં પરિવર્તન થવું એ ઈકોસિસ્ટમમાં પરિવર્તનનો સંકેત
બ્રિટનના નેશનલ ઓશનોગ્રાફી સેન્ટરના અહેવાલ મુજબ, માનવીય ગતિવિધિઓથી સમગ્ર ઇકોસિસ્ટમ ગંભીર રીતે પ્રભાવિત થઈ રહી છે જેથી સમુદ્રના પાણીનું વાદળીથી લીલા રંગમાં પરિવર્તન થવું એ ઈકોસિસ્ટમમાં પરિવર્તનનો સંકેત આપી રહ્યા છે.