ભાવનગરથી ચારધામની યાત્રાએ ગયેલા લોકોને ઉત્તરાખંડના ગંગોત્રી હાઇવે પર અકસ્માત નડતા ૭ લોકોના મોત નીપજ્યા હતા જયારે ૨૮ થી વધુ લોકો ઘાયલ થયા હતા. ૭ મૃતકોની પોસ્ટમોતમની સહિતની વિધિ બાદ 6 મૃતકોના મૃતદેહ ભાવનગર ખાતે લાવવામાં આવ્યા અને આજે તેમની અંતિમવિધિ કરાશે.

રાહત કમિશ્નર આલોક પાંડેએ જણાવ્યું હતું કે, તમામ મૃતદેહોને એકસાથે અમદાવાદ લાવવા માટેની વાતચીત થઈ રહી છે. આ પછી મોડીરાતે ભાવનગરના 6 મૃતદેહને વિમાન દ્વારા અમદાવાદ એરપોર્ટ પર લાવવામાં આવ્યા હતા. 7મી વ્યક્તિ મીનાબેન ઉપાધ્યાય કે જેઓ પણ ભાવનગરના વતની છે તેમના અંતિમ સંસ્કાર હરિદ્વારમાં કરવામાં આવ્યા હતા.

દુર્ઘટનામા કોઈએ પોતાનો દીકરો ગુમાવ્યો કોઈએ ભાઈ તો કોઈએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે. હૈયુ હચમચાવી દે તેવો પરિવારજનો દ્વારા આક્રંદ કરવામાં આવી રહ્યો છે. તળાજા, પાલીતાણા, મહુવા સહિત સમગ્ર ભાવનગર જિલ્લામાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. મૃતકોની અંતિમયાત્રામાં આખુ ગામ હિબકે ચડ્યું છે