જો કેન્દ્ર સરકારના કોઈપણ વિભાગમાં 45 દિવસ કે તેથી વધુ સમયની કામચલાઉ નોકરી ઉપલબ્ધ હશે તો અનામત લાગુ કરવામાં આવશે.કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને આ માહિતી આપી છે. સરકારે કહ્યું કે તમામ વિભાગોને આવા ટૂંકા ગાળાની હંગામી નોકરીઓમાં પણ અનામત આપવાના આદેશ આપવામાં આવ્યા છે. સર્વોચ્ચ અદાલતમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી, જેમાં અસ્થાયી નોકરીઓમાં પણ એસસી-એસટી અને ઓબીસી અનામત લાગુ કરવાની માંગ કરવામાં આવી હતી.તેના જવાબમાં કેન્દ્ર સરકારે કોર્ટને કહ્યું કે તેના દ્વારા 2022માં જ એક આદેશ જારી કરવામાં આવ્યો હતો, જેમાં તેને 45 દિવસ કે તેથી વધુ સમય માટે બનાવવામાં આવેલી ખાલી જગ્યાઓમાં પણ અનામત આપવાનું કહેવામાં આવ્યું હતું.

એટલું જ નહીં કેન્દ્ર સરકારે પોતાના આદેશમાં અનુસૂચિત જાતિ અને જનજાતિ કલ્યાણ સંબંધિત સંસદીય સમિતિના અહેવાલનો પણ ઉલ્લેખ કર્યો હતો.આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અસ્થાયી નોકરીઓમાં અનામતના નિયમોનું યોગ્ય રીતે પાલન કરવામાં નથી આવી રહ્યું.

આ રિપોર્ટનો ઉલ્લેખ કરીને કેન્દ્ર સરકારે નવેમ્બર 2022માં તમામ વિભાગોને આદેશ જારી કરીને કહ્યું હતું કે આરક્ષણ મેળવતા સમુદાયોને યોગ્ય પ્રતિનિધિત્વ આપવામાં આવે અને નિયમોનું ઉલ્લંઘન ન થવું જોઈએ.કેન્દ્ર સરકારના તમામ મંત્રાલયો અને વિભાગો માટે આવો આદેશ જારી કરવામાં આવ્યો છે.

તો કેસ થશે રીઓપન
આ સાથે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ એસવીએન ભાટીની કોર્ટે કેસ બંધ કરી દીધો હતો.એટલું જ નહીં, કોર્ટે એમ પણ કહ્યું કે જો સરકારના આદેશનું પાલન નહીં થાય તો તમે ફરીથી કોર્ટમાં આવી શકો છો. કોઈપણ કેસની સુનાવણી અને કાયદા મુજબ નિરાકરણ કરવામાં આવશે.નોંધનીય છે કે ઘણા રાજ્યોમાં આવા કિસ્સાઓ પણ સામે આવ્યા હતા જેમાં કહેવામાં આવ્યું હતું કે મોટા પાયે કામચલાઉ નિમણૂકો કરવામાં આવી રહી છે અને અનામતના નિયમોનું પાલન કરવામાં આવી રહ્યું નથી.