અમદાવાદમાં આવતીકાલે ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈ વૉલ્ટેજ મેચ રમાવાની છે જેને લઈને ગુજરાત સહિત સમગ્ર દેશના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ફક્ત ગુજરાતમાંથી જ નહીં પરંતુ સમગ્ર દેશમાંથી લોકો આ મેચ નિહાળવા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આવવાના છે. ત્યારે લોકોની સુરક્ષાને ધ્યાને રાખીને પોલીસ દ્વારા લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ પોલીસ વધુ એલર્ટ બની ગઈ છે. મુખ્યમંત્રી અને ગૃહ મંત્રીએ સુરક્ષા બાબતે સમીક્ષા કરી છે ત્યારે ભારત પાકિસ્તાન મેચને લઈ સ્ટેડિયમની સુરક્ષા માટે ટેથર્ડ ડ્રોન અને એન્ટિ ડ્રોન મુકવામાં આવ્યા છે. ડ્રોન આધુનિક ટેકનોલોજીથી સજ્જ છે. આ ડ્રોનમાં જીપીએસ નેવિગેશનની ખાસ જરૂર પડતી નથી.
ટેથર્ડ ડ્રોનની મદદથી મોદી સ્ટેડિયમ અને આસપાસના 5 કિલોમીટર સુધીના વિસ્તાર ઉપર ચાંપતી નજર રાખવામાં આવશે.આ સાથે ધાબા પોઇન્ટથી લઈ સ્ટેડિયમમાં ચાલતી તમામ ગતિવિધિઓને પણ જાણી શકાશે અને સ્ટેડિયમની સુરક્ષા જોખમાય નહિ તેનું પણ ધ્યાન રાખવામાં આવશે.
શહેરમાં 4 IG-DIG, 21 DCP, 47 ACP બંદોબસ્તમાં જોડાશે. આ ઉપરાંત 131 PI, 369 PSI સહિત 7 હજાર જેટલા પોલીસકર્મી તૈનાત રહેશે. સાથે જ આવતીકાલે 4 હજારથી વધુ હોમગાર્ડના જવાનો પણ સુરક્ષામાં જોડાશે. મોદી સ્ટેડિયમમાં 2 હજાર જેટલા CCTVથી બાજ નજર રાખવામાં આવશે. આ ઉપરાંત આવતીકાલે 1 હજાર બોડીવોર્ન કેમેરાથી પોલીસ જવાન સજ્જ રહેશે.