રાજ્યમાં ગુનાખોરીનું પ્રમાણ દિવસે ને દિવસે સતત વધી રહ્યું છે. ત્યારે હત્યાનો વધુ એક બનાવ સામે આવ્યો છે. અમરેલી જિલ્લાના ધારીમાં સામાન્ય બોલાચાલી થતાં અમરેલી જિલ્લા ભાજપના પૂર્વ મંત્રી અને ધારી તાલુકા પંચાયતના પૂર્વ સદસ્ય મધુબેન જોશીની હત્યા કરવામાં આવી છે. ત્યારે બનાવને પગલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ થયો છે.
ધારીના શિવ નગર સોસાયટીમાં રહેતા ભાજપાના જિલ્લા પૂર્વ મંત્રી અને તાલુકા પંચાયતના પૂર્વ સદસ્યાના પુત્રને ફટાકડા બાબતે સામાન્ય બોલાચાલી થયેલી હતી. જે બાબતનું મન દુઃખ રાખી ભાજપ મહિલા અગ્રણી મધુબેનનો પુત્ર મોટરસાયકલ લઈને જઈ રહ્યો હતો. ત્યારે એક ફોરવીલ ગાડી તેમની માથે ચડાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો. આ ઘટના સંદર્ભે મધુબેનના પુત્રની માથે ગાડી ચડાવી દેવાનો પ્રયાસ કરનાર તેમના જ પાડોશીને ત્યાં ભાજપના મહિલા અગ્રણી મધુબેન ઠપકો દેવા ગયા. જ્યારે ત્રણેય યુવાનોએ તલવાર વડે મધુબેન અને તેમના પુત્ર રવિ ઉપર જીવલેણ હુમલો કર્યો.
આ ઝપાઝપી ની ઘટનામાં મધુબેનના હાથ ઉપર તલવારનો ઊંડો ઘા વાગતા ગંભીર ઈજા થઈ અને તેમનું મૃત્યુ થયું. ત્યારે મધુબેન નો પુત્ર રવિને ગંભીર ઈજા થતાં અમરેલી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયેલ છે. આ ઉપરાંત મધુબહેનના બહેન નો દીકરો પણ આ ઝપાઝપીમાં ઘાયલ થયો છે ત્યારે આ ઘટનાથી સમગ્ર અમરેલી જિલ્લામાં ચકચાર મચી જવા પામી છે.
એક આરોપી 18 વર્ષનો
ધારીના ભાજપાના મહિલા કાર્યકરની હત્યાની ઘટનાને પગલે અમરેલી એસપી હિમકરસિંહ અને તેમની ટીમ તાત્કાલિક સરકારી હોસ્પિટલે આવી પહોંચ્યા હતા અને ઘટનાની જાણકારી મેળવી હતી ત્યારે એસ પી હિમકરસિંહે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઇ અને કાર્યવાહી હાથ ધરી છે. ત્રણે ત્રણ આરોપીઓને અમરેલી પોલીસે પોતાના ઝાપતામાં લીધા છે જેમાં બે આરોપીઓને સામાન્ય ઈજા થતાં ખાનગી હોસ્પિટલને સારવાર માટે દાખલ કરાયા છે. જેમાં પોલીસ જાપતો ગોઠવી દેવામાં આવ્યો છે અને એક આરોપીને પોલીસે ગિરફ્તારમાં લઈ લીધો છે અને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. ત્રણ આરોપી માંથી એક 18 વર્ષનો છે જ્યારે બાકીના બે આરોપીઓ માંથી એક 20 વર્ષનો અને બીજો 22 વર્ષનો છે.
આજે અંતિમ સંસ્કાર
અમરેલી જિલ્લા ભાજપના પૂર્વ મંત્રી મધુબેન જોશીની નજીવી બાબતે હત્યા કરવામાં આવી છે. ત્યારે તેમના પુત્ર એડવોકેટ રવિ પણ ઇજાગ્રસ્ત થયો છે. મહઉબેન જોશીના અંતિમ સંસ્કાર આજે ધારી ખાતે કરવામાં આવશે. માતાની હત્યા બાદ તેમનો પુત્રનોંધારો બન્યો છે. થોડા વર્ષો પહેલા જ મધુબેન જોશીના પતિનું અવસાન થયું હતું.