રાજકોટમાં એક અનોખી લાયબ્રેરી : જ્યાં પુસ્તકના બદલે મળે છે મફત સાડી…

આપણે પુસ્તકોની લાઇબ્રેરી હોય તેવું સાંભળ્યું હશે પણ શું સાડીની લાઇબ્રેરી હોય તેવું ક્યારેય સાંભળ્યું છે ? શુભ પ્રસંગે મહિલાઓ હજારો રૂપિયાનાં ખર્ચે સાડી ખરીદતી હોય છે પરંતુ મહિલાઓને હજારો રૂપિયાની સાડી તમને પ્રસંગમાં પહેરવા ફ્રીમાં મળે તો કેવું રહે? આ સાંભળીને તમને કદાચ નવાઈ લાગશે.પણ આ હકિકત છે.રાજકોટમાં એક સાડીની લાઈબ્રેરી શરૂ કરવામાં આવી છે.જ્યાંથી તમે સાડી મફતમાં પહેરવા માટે લઈ જઈ શકો છો…

રાજકોટમાં યુવા સેના ટ્રસ્ટ દ્વારા સાડીની લાઈબ્રેરી શરૂ કરવામાં આવી છે.આજના મોંઘવારીના સમયમાં ગરીબ અને મધ્યમ વર્ગની મહિલાઓ પણ સારી સાડી પહેરી શકે અને ખરીદવાનો ખર્ચ પણ ન થાય તેવા વિચાર સાથે સાડી લાઇબ્રેરી શરૂ કરવામાં આવી છે. જેથી ગરીબ અને મધ્યમવર્ગની મહિલાઓ પણ પોતાની ચોઈસ મુજબની સાડી પહેરી શકે છે રાજકોટ સિવાય અન્ય શહેરોમાંથી 100 જેટલા દાતાઓએ અહીંયા સાડીનું દાન કર્યું છે અને હાલ આ સાડી લાઇબ્રેરીમાં 250થી પણ વધુ સાડી એકત્ર કરવામાં આવી છે.

છેલ્લા બે મહિનાથી આ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવતા મહિલાઓ તેનો લાભ લઈ રહી છે. અહિંયા તમને અલગ અલગ વેરાયટીની સાડીઓ મળી જશે.તમે તમારા પ્રસંગોને અનુરૂપ સાડીનું સિલેક્શન અહિંયાથી કરી શકો છો.જેમ કે તમારે લગ્ન પ્રસંગમાં કોઈ સાડી પહેરવી હોય કે કોઈ ધાર્મિક કાર્યમાં સાડી પહેરવી હોય તો તમને અહિંયાથી મફતમાં સાડી પહેરવા માટે મળી જશે.રાજકોટમાં સાડીની લાઈબ્રેરી શરૂ થતાં મહિલાઓમાં ખુશી જોવા મળી રહી છે…

આ સાડી લેવા માટે એક ફોર્મ ભરવાનું હોય છે.જેમાં તમારું નામ સરનામું જેવી વિગત તેમજ ફોટો આપવાનો હોય છે.ત્યારબાદ તમે એકદમ ફ્રી આ સાડી લઈ જઈ શકો છો.સાંજે 5થી 7 વાગ્યા સુધી શહેરના ગુરુપ્રસાદ ચોકમાં ભોલેનાથ સોસાયટી, રાજકોટ સેવા ભવન ખાતે સાડી મળી રહે છે.