સુરતનાં કતારગામ વિસ્તારમાં BRTS બસે સર્જ્યો અકસ્માત : અનેક લોકો થયા ઘાયલ…

ડાયમંડ સિટી ગણાતા ગુજરાતના સુરતમાં બેફામ દોડતી BRTS બસે વધુ એક વખત અકસ્માત સર્જ્યો હોવાની ઘટના સામે આવી છે. જેમાં શહેરના કતારગામ ગજેરા સર્કલ નજીક BRTSની ઈલેક્ટ્રિક બસની પાછળ બીજી બસ ધડાકાભેર અથડાઈ હતી. આ સમયે ત્યાં વચ્ચે રહેલા 5થી વધુ વાહન ચાલકોને પણ કચડી માર્યા હતા.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, કતારગામ ગજેરા સર્કલ નજીક BRTSની એક ઈલેક્ટ્રિક બસની પાછળ બીજી બસ ધડાકાભેર ઘૂસી ગઈ હતી. આ દરમિયાન વચ્ચે ઉભેલા બાઈક, રિક્ષા, ટેમ્પો અને મોપેડને પણ અડફેટમાં લેતા તમામ વાહનોનો કચ્ચરઘાણ વળી ગયો હતો. જ્યારે બસને પણ વ્યાપક નુક્સાન થયું હતુ.

આ ઘટનાને લઈને ત્યાં અફરાતફરી મચી જવા પામી હતી. બીજી તરફ બનાવની જાણ થતા ફાયર અને પોલીસ વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો, અકસ્માતની આ ઘટનામાં ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સમગ્ર બનાવના પગલે શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયા પણ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા…..