સોનાની નગરી વાળો દેવ મારો દ્વારકાવાળો…!!! દરિયામાં સમાયેલી દ્વારકા નગરી જોવા સરકાર લાવી રહી છે આવો પ્રોજેક્ટ…

ભારત શ્રદ્ધા અને આસ્થાનો દેશ છે અને અહીં તો પથ્થર એટલા દેવ છે. એમાં પણ ઉત્તરમાં ઉત્તરાખંડમાં આવેલું બદરીનાથ, દક્ષિણમાં તામિલનાડુ ખાતે આવેલું રામેશ્વરમ, પૂર્વમાં ઓડિશા ખાતે આવેલું જગન્નાથપૂરી અને પશ્ચિમમાં ગુજરાતમાં આવેલા દ્વારકાની ગણતરી તો ભારતના ચારધામમાં કરવામાં આવે છે.

દરેક તીર્થસ્થળનો પોતાનો એક આગવો ઈતિહાસ અને મહત્ત્વ બંને છે. પણ આપણે દ્વારકાની વાત કરીએ તો ટૂંક સમયમાં જ દ્વારકામાં કંઈક એવું થવા જઈ રહ્યું છે કે જેને કારણે શ્રદ્ધાળુઓ ડૂબી ગયેલી દ્વારિકા નગરી પણ જોઈ શકશે. શાસ્ત્રો અને ગ્રંથોમાં જણાવવામાં આવેલી કથા અનુસાર અહીં જ હજારો વર્ષ પહેલાં કૃષ્ણની સોનાની દ્વારિકા આવેલી હતી અને આ દ્વારિકાને સ્વયં કૃષ્ણે દરિયામાં ડુબાડી દીધી હતી.

સમુદ્રમાં સમાઈ ગયેલી આ દ્વારિકા વિશે જાણવા માટે શ્રદ્ધાળુઓ હંમેશા જ ઉત્સુક હોય છે તો સરકાર દ્વારા દરિયામાં ડૂબી ગયેલી આ દ્વારકા જોવા માટે સબમરીન પ્રોજેક્ટ લાવવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ સાથે સાથે જ બેટ દ્વારકામાં સૌથી મોટો કેબલ બ્રિજનું નિર્માણ પણ કરવામાં આવી રહ્યું છે અને એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે કે જન્માષ્ટમીની આસપાસ આ બંને પ્રોજેક્ટ જનતા માટે ખુલ્લા મૂકવામાં આવશે. મળતી માહિતી અનુસાર દ્વારકામાં સબમરીન પ્રોજેક્ટ આવતા વર્ષે જન્માષ્ટમી પર કે પછી દિવાળી બાદ શરૂ થઈ શકે છે. જોકે આ બાબતે હજી સુધી કોઈ પણ પ્રકારની જાહેરાત કરવામાં આવી નથી.

પ્રોજેક્ટ સબમરીનમાં કઈ રીતે લોકો ડુબી ગયેલી દ્વારકા જોઈ શકશે એના વિશે વાત કરીએ તો આ પ્રોજેક્ટ હેઠળ લોકોને સમુદ્રમાં 300 ફૂટ નીચે લઈ જવામાં આવશે અને અહીં હજારો વર્ષ પહેલા દરિયામાં ડૂબી ગયેલી ભગવાન શ્રીકૃષ્ણની દ્વારકા નગરી લોકોને પ્રત્યક્ષ બતાવવામાં આવશે. આ માટે બેથી અઢી કલાકનો સમય લાગી શકે છે અને આ માટે મોટી કિંમત ચૂકવવી પડી શકે છે. 35 ટનના વજનવાળી આ સબમરીનમાં એક સાથે 30 લોકો બેસીને જઈ શકશે અને એમાં તેમની સાથે બે ડાઈવર અને એક ગાઈડ પણ હશે.