આ વખતે પહેલીવાર લોકસભાની ચૂંટણીટાણે કોંગ્રેસના બદલે ભાજપમાં કકળાટ છે.ભાજપનો આંતરિક કકળાટ ક્યારેય ખુલીને સપાટી પર આવતો હોતો નથી. તેને તુરંત જ ડામી દેવામાં આવે છે. તો લોકસભાની ચૂંટણી વખતે પણ વડોદરાથી શરુ થયેલી આંતરિક વિખવાદની જવાળા સાબરકાંઠા, અરવલ્લી, રાજકોટ સુધી પહોંચી. હવે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અરવલ્લી પહોંચ્યા હતા જ્યાં તેમણે કાર્યકરોની નારાજગીને લઈને ખુબ મોટી વાત કરી હતી. તેમણે બુથ કાર્યકર્તા સંમેલનમાં સંબોધન વખતે કહ્યું, જેને પણ નારાજગી હોય અહીં મુકીને જાવ.
ગુજરાતમાં એક તરફ ગરમીનો પારો ઉંચે જઈ ચઢી રહ્યો છે તો બીજી તરફ રાજકીય તાપમાનનો પારો પણ ડિગ્રીઓ વટાવી રહ્યો છે. તપતા પારા વચ્ચે રાજકારણીઓ પણ પૂરજોશમાં પ્રચાર કરી રહ્યાં છે. ત્યારે આજે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અરવલ્લી પહોંચ્યા હતાં.મોડાસામાં બુથ સંમેલનમાં કાર્યકરોને નારાજગી દૂર મુકીને કામ પર લાગી જવા માટે પાટીલે હાંકલ કરી હતી.
લોકભાની ચૂંટણીટાણે કાર્યકરો ખુબ મહત્વના હોય છે ખાસ કરીને ભાજપ પાર્ટી માટે, ત્યારે સી.આર.પાટીલે મોડાસમાં આયોજિત બુથ સંમેલનમાં કાર્યકરોને સંબોધન કર્યું હતું. સંબોધન કરતા પાટીલે કહ્યું કે, પાર્ટીના કાર્યકરો પાસે મહત્વકાંક્ષા હોવી જોઈએ, ધારાસભ્યથી લઈ તાલુકા પંચાયત જેવી ચૂંટણી લડવાની ઈચ્છા હોવી જોઈએ. પરંતુ જો ટિકિટ ન મળે તો જેને મળે તેને જીતાડવા માટે કામ કરવાનું હોય. આ સાથે કાર્યકરોને સૂચના આપતા પાટીલે કહ્યું કે, જો કોઈ બીજાને ટિકિટ મળે અને તમે નારાજ થઈ જાઓ તો એ તમારો અધિકાર નથી. કારણ કે જે દિવસે તમને ટિકિટ મળશે તે દિવસે બીજા નારાજ થયા તો? એટલા માટે જો કોઈને નારાજગી હોય તો અહીં જ તમારી નારાજગી મુકીને જજો. આ સાથે સી.આર.પાટીલે એવું પણ કહ્યું કે, નારાજ થવાનો અધિકાર તમારી પાસેથી હું આજે લઈ લઉ છું.
સાબરકાંઠા ભાજપમાં ચાલી રહેલી લાંબા સમયથી નારજગી ચાલી રહી છે તેનાથી કોઈ અજાણ નથી. એટલે જ એ નારાજગી મુદ્દે પાટીલે કહ્યું કે, કેટલાક લોકો નારાજ હતાં. જેમને પણ મનાવી લેવામાં આવ્યા છે. નારાજ થવાનો સ્વભાવ એ અધિકાર છે તેમજ માનવ વૃત્તિમાં નારાજગી હોય પરંતુ તે ક્ષણિક હોય છે, માટે તમામે નારાજગી મૂકી કામ પર લાગી જવાનું છે.







