T20 વર્લ્ડ કપ 2024 માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. ટીમની કમાન રોહિત શર્માને સોંપવામાં આવી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ લાંબી ચર્ચા બાદ ટીમની જાહેરાત કરી હતી. મુખ્ય પસંદગીકાર અજીત અગરકરની આગેવાની હેઠળની રાષ્ટ્રીય પસંદગી સમિતિએ ઘણા ખેલાડીઓ સાથે ચર્ચા કરી હતી. આખરે આ 15 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી હતી.
હાર્દિક પંડ્યાને ટીમમાં મોટી જવાબદારી સોંપવામાં આવી છે. તે T20 વર્લ્ડ કપમાં ટીમનો વાઇસ કેપ્ટન હશે. ટીમમાં ઋષભ પંત અને સંજુ સેમસનને વિકેટકીપર તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. કેએલ રાહુલને ટીમમાં તક મળી નથી. શુભમન ગિલ, રિંકુ સિંહનો અનામત તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે.
T20 વર્લ્ડ કપ 2024 માટે ભારતની ટીમ:
રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટકીપર), શિવમ દુબે, હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ. જસપ્રિત બુમરાહ, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ, સંજુ સેમસન (વિકેટકીપર), મોહમ્મદ સિરાજ.
રિઝર્વ: શુભમન ગિલ, રિંકુ સિંહ, ખલીલ અહેમદ, અવેશ ખાન
બેટ્સમેન (5): કેપ્ટન રોહિત શર્માની સાથે, ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલી અને નંબર-1 T20 બેટ્સમેન સૂર્યકુમાર યાદવ બેટિંગ યુનિટના મહત્વપૂર્ણ ભાગ હશે. શિવમ દુબે અને યશસ્વી જયસ્વાલને પણ તક મળી છે. યશસ્વી ઓપનિંગ કરે તેવી શક્યતા છે, જ્યારે શિવમ દુબે ફિનિશરની ભૂમિકામાં જોવા મળશે.
વિકેટકીપર (2): વિકેટકીપર બેટ્સમેનોની વાત કરીએ તો રિષભ પંત અને સંજુ સેમસનને ટીમમાં જગ્યા મળી છે. પંત IPL 2024 દ્વારા વ્યાવસાયિક ક્રિકેટમાં પાછો ફર્યો છે. પંતે કેટલીક વિસ્ફોટક ઇનિંગ્સ રમીને ફોર્મમાં હોવાના સંકેત દેખાડ્યા હતા. પંતનું વિકેટ પાછળનું પ્રદર્શન પણ શાનદાર રહ્યું છે. બીજી તરફ બીજા વિકેટકીપર તરીકે સંજુ સેમસનને સ્થાન મળ્યું છે.
ઓલરાઉન્ડર (3): ઓલરાઉન્ડરોની વાત કરીએ તો હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ અને રવિન્દ્ર જાડેજાને સ્થાન મળ્યું છે. હાર્દિક ટી20 વર્લ્ડ કપમાં વાઇસ કેપ્ટનની જવાબદારી પણ સંભાળશે. તમને જણાવી દઈએ કે IPL 2024માં હાર્દિક મુંબઈ ઈન્ડિયન્સ (MI)ની કેપ્ટનશીપ કરી રહ્યો છે. સ્પિન બોલિંગ ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા અને અક્ષર પટેલને પણ તેમના સારા પ્રદર્શન માટે પુરસ્કાર આપવામાં આવ્યો છે.
સ્પિનર્સ (2): કુલદીપ યાદવ અને યુઝવેન્દ્ર ચહલનો નિષ્ણાત સ્પિન બોલર તરીકે વર્લ્ડ કપ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. લેગ સ્પિનર ચહલ T20 ક્રિકેટમાં ભારત માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે અને તે IPLમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. T20 વર્લ્ડ કપ વેસ્ટ ઈન્ડિઝ અને યુએસએમાં યોજાવાનો હોવાથી ધીમી પીચો પર કુલદીપ અને ચહલની ભૂમિકા ઘણી મહત્વની હોઈ શકે છે.
ફાસ્ટ બોલર (3): જસપ્રિત બુમરાહ અને અર્શદીપ સિંહ ફાસ્ટ બોલિંગ યુનિટમાં મહત્વની ભૂમિકા ભજવશે. આ સાથે જ મોહમ્મદ સિરાજને ત્રીજા સ્પેશિયાલિસ્ટ ફાસ્ટ બોલર તરીકે પણ સામેલ કરવામાં આવ્યો છે. વર્તમાન IPL સિઝનમાં સિરાજ ચોક્કસપણે મોંઘો સાબિત થયો છે. પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે તેનું પ્રદર્શન શાનદાર રહ્યું છે.







