ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે વડાપ્રધાન મોદી આજે ચૂંટણી પ્રચાર વચ્ચે સમય કાઢીને સીધા જ જામ સાહેબના નિવાસ સ્થાને પહોંચ્યા હતા. જ્યાં તેમની સાથે અડધો કલાકથી પણ વધુ સમય સુધી વાટાઘાટો કરી હતી.

જામ સાહેબ સાથે મુલાકાત બાદ વડાપ્રધાન મોદી સીધા જ સભા સ્થળે જવા રવાના થયા હતા. જ્યાં જંગી જનસભાને સંબોધનમાં PM મોદીએ જણાવ્યું કે, જામ સાહેબ સાથે મુલાકાત કરી છે. જો એ વિજય કહે, તો ચોક્કસથી વિજય હોય જ છે. જામ સાહેબની પાઘડી મારા માટે મોટો પ્રસાદ છે. જામ સાહેબ પાઘડી પહેરાવે, પછી મારા માટે કંઈ બાકી ન રહ્યું.

અગાઉ પણ વડાપ્રધાન મોદી જામનગર આવ્યા, ત્યારે તેઓ અનેક વખત જામ સાહેબ સાથે મુલાકાત કરી ચૂક્યા છે. આ ઉપરાંત આજે રાજકોટ ખાતે પણ ગુજરાતના રાજવીઓની બેઠક મળી હતી. જેમાં તમામ લોકોએ વડાપ્રધાનને પોતાનું સમર્થન જાહેર કર્યું હતુ.