ત્રીજા તબક્કામાં 65.68% થયું મતદાન, ECએ 4 દિવસ બાદ ફાઇનલ આંકડો કર્યો જાહેર…

લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાનના ચાર દિવસ બાદ ચૂંટણી પંચે કુલ મતદાન ટકાવારીના આંકડા જાહેર કર્યા છે. ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ ત્રીજા તબક્કામાં કુલ 65.68 ટકા મતદાન નોંધાયું હતું. જો કે, 7 મેના રોજ મોડી સાંજે પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ ત્રીજા તબક્કામાં 64.40 ટકા મતદાન થયું હતું. પરંતુ ચાર વર્ષ પછી આ આંકડો લગભગ એક ટકા વધુ મતદાન દર્શાવે છે.

લોકસભા ચૂંટણી 2024ના ત્રીજા તબક્કાનું મતદાન 7 મેના રોજ પૂર્ણ થયું હતું. આ દિવસે 11 રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની 93 બેઠકો પર મતદાન થયું હતું. ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર ત્રીજા તબક્કામાં પુરુષોનું મતદાન 66.89 ટકા, મહિલાઓનું મતદાન 64.41 ટકા અને ત્રીજા લિંગનું મતદાન 25.2 ટકા હતું.

ત્રીજા તબક્કામાં આસામમાં 85.45 ટકા, છત્તીસગઢમાં 71.98 ટકા, બિહારમાં 59.15 ટકા, ગુજરાતમાં 60.13 ટકા, પશ્ચિમ બંગાળમાં 77.53 ટકા, યુપીમાં 57.55 ટકા, કર્ણાટકમાં 71.84 ટકા અને મધ્યપ્રદેશમાં 66.75 ટકા મતદાન નોંધાયું હતું. 2019ના મતદાનની ટકાવારીની સરખામણીમાં, 2024ના ત્રીજા તબક્કાની કુલ મતદાન ટકાવારીમાં લગભગ બે ટકા ઓછું મતદાન નોંધાયું છે.

ડેટા જાહેર કરવામાં વિલંબ પર કોંગ્રેસનો હુમલો
કોંગ્રેસ પાર્ટીએ અંતિમ આંકડા જાહેર કરવામાં વિલંબ કરવા બદલ ચૂંટણી પંચ પર પણ પ્રહારો કર્યા છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સવાલ ઉઠાવ્યો હતો કે ચૂંટણી પંચનું આ વલણ યોગ્ય નથી. તેમણે કહ્યું હતું કે, ડેટા મોડો જાહેર કરવા પાછળનું કારણ શું છે? તેમણે કહ્યું કે અગાઉની ચૂંટણીઓમાં પંચ 24 કલાકની અંદર અંતિમ આંકડા જાહેર કરી દેતું હતું પરંતુ હવે વિલંબ કેમ થઈ રહ્યો છે.

જો કે ચૂંટણી પંચે ખડગેના સવાલ પર સખત નારાજગી વ્યક્ત કરી છે. પંચે કહ્યું છે કે ખડગે દ્વારા જે પ્રકારના નિવેદનો અને આક્ષેપો કરવામાં આવ્યા છે તે સ્વસ્થ લોકતંત્ર માટે સારા નથી. આનાથી નિષ્પક્ષ મતદાન અંગે મૂંઝવણ ફેલાઈ શકે છે.