ભરઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. ત્યારે ગઇકાલે સોમવારે રાજ્યના 60 તાલુકામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. જેમાં નર્મદાના ગરૂડેશ્વરમાં સૌથી વધુ દોઢ ઈંચ વરસાદ વરસ્યો છે. કમોસમી વરસાદમાં વીજળી પડતા રાજ્યમા બે લોકોના મોત નિપજ્યા છે. તો એકનું વીજળી પડતા તો અન્ય એકનું કાચું મકાન પડતાં મોત થયું છે.

અરવલ્લીમાં માલપુરના જીતપુર ગામે વીજળી પડતાં બાઈક પર જતા ખેડૂતનું મોત થયું છે. તો બીજી તરફ હિંમતનગરના આગીયોલમાં કાચું ઘર પડતાં વૃદ્ધ મહિલાનું મોત થયું છે. હજુ 3 દિવસ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી છે. આજે ગુજરાતના 10 જિલ્લાઓમાં માવઠાનું સંકટ મંડરાઈ રહ્યું છે. 5થી 10 કિમીની ઝડપે પવન ફૂંકાવાની હવામાનની આગાહી છે.

જાણો કયા કયા છે વરસાદની આગાહી
14 મેએ બનાસકાંઠા, સાબરકાંઠા, મેહસાણા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં વરસાદની આગાહી છે. ત્યારે આવતીકાલે 15 મેએ અરવલ્લી,ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. 16 મેએ બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.