પાકિસ્તાનના સાંસદ સૈયદ મુસ્તફા કમલે ભારતની દિલથી પ્રશંસા કરી છે. પાકિસ્તાની સાંસદે કહ્યું કે એક તરફ કરાચીમાં ખુલ્લી ગટર બાળકોની હત્યા કરી રહી છે, તો બીજી તરફ ભારત ચંદ્ર પર પહોંચી ગયું છે. પાકિસ્તાનની રાજકીય પાર્ટી મુત્તાહિદા કૌમી મૂવમેન્ટ પાકિસ્તાન (MQM-P) ના સાંસદ સૈયદ મુસ્તફા કમલે ત્યાંની સંસદમાં પોતાના સંબોધનમાં દેશની સરકારોને અરીસો બતાવ્યો.

પાકિસ્તાની સાંસદે ભારતના જોરદાર વખાણ કરતા કહ્યું કે, ‘આજે જ્યારે દુનિયા ચંદ્ર તરફ જઈ રહી છે ત્યારે અમારા બાળકો કરાચીમાં ગટરમાં પડીને મરી રહ્યા છે. જ્યારે આપણે આપણા ટીવી સ્ક્રીન પર સમાચાર જોઈએ છીએ કે ભારત ચંદ્ર પર પહોંચી ગયું છે અને માત્ર બે સેકન્ડ પછી સમાચાર આવે છે કે કરાચીમાં ખુલ્લી ગટરમાં પડી જવાથી એક બાળકનું મૃત્યુ થયું છે.

કરાચીમાં તાજા પાણીની અછતનો ઉલ્લેખ કરતા MQM નેતાએ કહ્યું, ‘કરાચી પાકિસ્તાનનું રેવન્યુ એન્જિન છે. દેશમાં બે બંદરો છે અને બંને કરાચીમાં છે. એક રીતે જોઈએ તો તે દેશનું પ્રવેશદ્વાર છે. કરાચીને 15 વર્ષથી શુદ્ધ પાણી નથી મળતું, જ્યારે પણ પાણી આવે છે ત્યારે ટેન્કર માફિયાઓ દ્વારા કબજે કરવામાં આવે છે.

પાકિસ્તાનમાં લગભગ 2.5 કરોડ બાળકો સ્કૂલ નથી જઈ રહ્યા 
એક રિપોર્ટને ટાંકીને સૈયદ મુસ્તફા કમલે કહ્યું, ‘સિંધ પ્રાંતમાં લગભગ 70 લાખ બાળકો સ્કૂલ નથી જઈ રહ્યા અને રાષ્ટ્રીય સ્તરે આ આંકડો લગભગ 2.6 કરોડ છે. કરાચી સિંધ પ્રાંતની રાજધાની છે. મુસ્તફા કમલે કહ્યું, ‘અમારી પાસે કુલ 48 હજાર શાળાઓ છે, પરંતુ એક રિપોર્ટ દર્શાવે છે કે તેમાંથી 11 હજાર શાળાઓ ખાલી છે. દેશમાં 2.62 કરોડ બાળકો શાળાએ જઈ શકતા નથી. આનાથી દેશના નેતાઓની ઊંઘ હરામ થવી જોઈએ.

આ પણ વાંચો: કેનેડા સરકારે ભારતીય કંપની પર લગાવ્યો ભારે દંડ, જાણો ઇન્ફોસિસને કેમ ઘેરી?

સૈયદ મુસ્તફા કમાલનું આ નિવેદન પાકિસ્તાનના અન્ય એક વરિષ્ઠ નેતા મૌલાના ફઝલુર રહેમાનના નિવેદન બાદ આવ્યું છે, જેમાં મૌલાના ફઝલુર રહેમાને કહ્યું હતું કે ‘ભારત અને પાકિસ્તાનને સાથે મળીને આઝાદી મળી હતી, પરંતુ આજે તેઓ (ભારત) મહાસત્તા બનવાની કોશિશ કરી રહ્યા છે.