અનિલ અંબાણીએ RBIને કંપની વેચવાની કરી અપીલ, કહ્યું- વધુ 10 દિવસનો સમય આપો…
ભારે દેવામાં ડૂબેલા અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કેપિટલના ખરીદનાર હિન્દુજા ગ્રૂપને એક્વિઝિશન પૂર્ણ કરવામાં વધુ સમય લાગશે. કારણ કે રિલાયન્સ કેપિટલના એડમિનિસ્ટ્રેટરે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ને અપીલ કરી છે અને 10 દિવસનો સમય માંગ્યો છે. રિલાયન્સ કેપિટલે હિંદુજા ગ્રુપની કંપનીને સંપત્તિ ટ્રાન્સફર કરવા માટે આ સમય માંગ્યો છે.
રિલાયન્સ કેપિટલની સંપત્તિ હિન્દુજા ગ્રુપની કંપનીને ટ્રાન્સફર કરવાની સમય મર્યાદા શુક્રવાર સુધી હતી. દેશની સેન્ટ્રલ બેંકે 17 નવેમ્બર 2023ના રોજ પ્રોપર્ટી ટ્રાન્સફર કરવાની મંજૂરી આપી હતી. આ મંજૂરી માત્ર 6 મહિના માટે માન્ય હતી. બિઝનેસ સ્ટાન્ડર્ડના રિપોર્ટ અનુસાર હવે રિલાયન્સ કેપિટલના એડમિનિસ્ટ્રેટરે RBI પાસેથી 27 મે સુધીનો સમય માંગ્યો છે. સંપત્તિના સ્થાનાંતરણ પછી, રિલાયન્સ કેપિટલ સંપૂર્ણપણે હિન્દુજા જૂથની રહેશે.
27 ફેબ્રુઆરીએ રિઝોલ્યુશન પ્લાનને મંજૂરી આપવામાં આવી હતી. નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT)ની મુંબઈ બેન્ચે 27 ફેબ્રુઆરીએ રિઝોલ્યુશન પ્લાનને મંજૂરી આપી હતી. ઇન્ડસઇન્ડ ઇન્ટરનેશનલ હોલ્ડિંગ્સ લિમિટેડને 27 મે સુધીમાં રિઝોલ્યુશન પ્લાન લાગુ કરવા માટે કહેવામાં આવ્યું હતું.
રિલાયન્સ કેપિટલ પર એટલું દેવું ?
ફેબ્રુઆરી 2022માં રિલાયન્સ કેપિટલ માટે બિડ મંગાવવામાં આવી હતી. શરૂઆતમાં ચાર કંપનીઓ રિલાયન્સ કેપિટલને હસ્તગત કરવા આગળ આવી હતી, પરંતુ ઓછી બિડને કારણે ધિરાણકર્તા જૂથે તેને નકારી કાઢી હતી. બાદમાં હિન્દુજા ગ્રૂપ અને ટોરેન્ટ ઈન્વેસ્ટમેન્ટે ફરીથી બિડ સબમિટ કરી, જેમાં હિંદુજા ગ્રૂપની બિડને મંજૂરી આપવામાં આવી. આ કંપની પર 40 હજાર કરોડ રૂપિયાનું દેવું હોવાનું કહેવાય છે.