ઈરાનના રાષ્ટ્રપતિ રાયસીના બચવાની આશા નથી, ક્રેશ થયેલા હેલિકોપ્ટરનો કાટમાળ મળ્યો…

ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીનું ક્રેશ થયેલું હેલિકોપ્ટર 17 કલાક બાદ રેસ્ક્યુ ટીમ દ્વારા મળી આવ્યું છે. હેલિકોપ્ટરના કાટમાળને જોતા, રાયસીના બચવાની શક્યતાઓ ખૂબ જ ઓછી દેખાઈ રહી છે. જોકે રેસ્ક્યુ ટીમનું કહેવું છે કે રાયસી અને અન્ય ઈરાની અધિકારીઓની શોધ ચાલુ છે.

ઈરાની સમાચાર એજન્સીઓએ અહેવાલ આપ્યો છે કે બચાવ ટીમને ઈબ્રાહિમ રાયસીનું હેલિકોપ્ટર મળી ગયું છે. ઈરાનના પ્રેસ ટીવીએ ટ્વીટ કર્યું, “બચાવ ટીમો રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીના ક્રેશ થયેલા હેલિકોપ્ટર સુધી પહોંચી ગઈ છે. હેલિકોપ્ટર દુર્ઘટના બાદ રાષ્ટ્રપતિ રાયસીની શોધખોળમાં કોઈ જીવિતનો કોઈ પત્તો મળ્યો નથી.” આવી સ્થિતિમાં, રાયસી અને અન્ય ઈરાની અધિકારીઓ સાથે કંઈક અપ્રિય બનવાનો ભય છે. કહેવામાં આવી રહ્યું છે કે તુર્કીની ટીમે રાયસીના હેલિકોપ્ટરને શોધી કાઢ્યું હતું. જે બાદ ઈરાની અધિકારીઓ સાથે ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. જો કે રાયસીનો હજુ સુધી કોઈ પત્તો મળ્યો નથી.

રાયસી સાથે ઈરાનના વિદેશ મંત્રી પણ હાજર હતા

અહેવાલ મુજબ ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાઈસી સાથે વિદેશ મંત્રી હોસૈન અમીરાબ્દોલ્લાહિયન, પૂર્વ અઝરબૈજાન પ્રાંતના ગવર્નર અને અંગરક્ષકો હેલિકોપ્ટરમાં સવાર હતા. રાયસી રવિવારે અઝરબૈજાનના રાષ્ટ્રપતિ ઈલ્હામ અલીયેવ સાથે બંધનું ઉદ્ઘાટન કર્યા બાદ ઈરાન સાથેની સરહદ પર પરત ફરી રહ્યા હતા, પરંતુ ખરાબ હવામાનને કારણે તેમનું હેલિકોપ્ટર વરાઝકાન અને જોલ્ફા શહેરોની વચ્ચે ડિઝમાર જંગલમાં ક્રેશ થઈ ગયું.

અમેરિકાને ષડયંત્રની શંકા

ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીના હેલિકોપ્ટર ક્રેશને લઈને અમેરિકામાં પણ ખળભળાટ મચી ગયો છે. જો બિડેને કટોકટી બેઠક બોલાવી. અમેરિકન સાંસદ ચક શૂમરે આ અકસ્માત પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે અત્યારે એવું ન કહી શકાય કે અકસ્માત પાછળ કોઈ કાવતરું છે. જો કે હજુ સુધી આવા કોઈ પુરાવા મળ્યા નથી. તેમણે કહ્યું કે ઈરાનમાં જે જગ્યાએ હેલિકોપ્ટર ક્રેશ થયું ત્યાંનું હવામાન ખૂબ જ ખરાબ હતું. તેથી પ્રાથમિક દૃષ્ટિએ આ અકસ્માત હોવાનું જણાય છે, પરંતુ અકસ્માતની સંપૂર્ણ તપાસ બાદ જ કંઈક કહી શકાશે.