અમદાવાદની આકરી ગરમીના કારણે શાહરૂખ ખાનની તબિયત લથડી, હોસ્પિટલમાં કરાયા દાખલ…

અમદાવાદમાં બુધવારે બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાનની તબિયત લથડી હતી. તીવ્ર ગરમી અને હિટ વેવને કારણે તેમની તબિયત લથડી હતી, ત્યારબાદ તેમને તાત્કાલિક અમદાવાદની કેડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. શાહરૂખ ખાનના એડમિશન બાદ પોલીસે કેડી હોસ્પિટલની સુરક્ષા વધારી દીધી છે. શાહરૂખની પત્ની ગૌરી ખાન હોસ્પિટલ પહોંચી છે.

શાહરૂખ ખાન મંગળવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આયોજિત ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની મેચ જોવા આવ્યો હતો. આ મેચમાં શાહરૂખની ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સે સનરાઈઝર્સ હૈદરાબાદને હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે.

અમદાવાદમાં ભારે ગરમી પડી રહી છે. આજે પણ તાપમાન 45 ડિગ્રીની આસપાસ યથાવત છે. આવી સ્થિતિમાં કિંગ ખાન પણ તીવ્ર ગરમીથી બચી શક્યો ન હતો અને બપોરે તેની તબિયત લથડી હતી. ડિહાઇડ્રેશન અને ઉધરસને કારણે તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. હાલ કિંગ ખાનની સારવાર ચાલી રહી છે. તબીબો તેમના સ્વાસ્થ્ય પર નજર રાખી રહ્યા છે. હાલમાં શાહરૂખની તબિયત સારી છે. જુહી ચાવલા પણ તેની સાથે હોસ્પિટલમાં હાજર છે.

શાહરૂખ મેદાન પર જોવા મળ્યો હતો
આઈપીએલની પ્રથમ ક્વોલિફાયર મેચ ગઈકાલે અમદાવાદમાં રમાઈ હતી. જેમાં શાહરૂખની ટીમે જોરદાર પ્રદર્શન કરીને SRHને 8 વિકેટથી હરાવ્યું હતું. ટીમના શાનદાર પ્રદર્શનથી શાહરૂખ ઘણો ખુશ દેખાઈ રહ્યો હતો. મેચ બાદ તે મેદાન પર ખેલાડીઓ સાથે પણ જોવા મળ્યો હતો. બાદમાં તેમણે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોંચેલા હજારો સમર્થકોનો આભાર વ્યક્ત કર્યો હતો. શાહરૂખ ખાને પુત્ર અબરામ અને પુત્રી સુહાના સાથે આખા મેદાનની પરિક્રમા કરી અને તમામ ચાહકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો.

IPL ટ્રોફીથી એક ડગલું દૂર
IPLની આ સિઝનમાં શાહરૂખ પોતાની ટીમ KKRની મોટાભાગની મેચોમાં મેદાનમાં જોવા મળ્યો હતો. મેચમાં KKRની જીત હોય કે હાર, શાહરૂખ હંમેશા મેદાનમાં આવીને ખેલાડીઓને મળતો અને પ્રોત્સાહિત કરતો જોવા મળ્યો હતો. કિંગ ખાનની ટીમ તેની ત્રીજી IPL ટ્રોફી જીતવાથી માત્ર એક ડગલું દૂર છે.