ગઈકાલે હીટ સ્ટ્રોકના કારણે સુપરસ્ટાર શાહરૂખ ખાનની તબિયત લથડી હતી, ત્યારબાદ તરત જ તેને અમદાવાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ સમાચાર સામે આવ્યા બાદ કિંગ ખાનના ફેન્સ તેમના સ્વાસ્થ્યને લઈને ખૂબ જ ચિંતિત થઈ ગયા છે. આ સમાચાર ગૌરી ખાનને મળતા જ તે તાત્કાલિક હોસ્પિટલ પહોંચી ગઈ હતી. ગૌરી ઉપરાંત અભિનેત્રી અને શાહરૂખ ખાનની ખાસ મિત્ર જૂહી ચાવલા પણ તેને મળવા હોસ્પિટલ પહોંચી હતી. જુહીએ શાહરૂખની હેલ્થ અપડેટ પણ શેર કરી છે.

હાલમાં જ ન્યૂઝ 18 સાથે વાત કરતા જૂહી જવાલાએ કહ્યું હતું કે શાહરૂખ ખાન અત્યારે ઘણી હદ સુધી ઠીક છે.   જુહી ચાવલા અને તેના પતિ જય મહેતા SRK સાથે KKRના સહ-માલિક છે, જે IPL 2024ની ફાઇનલમાં પહોંચી છે. આ દરમિયાન અભિનેત્રીએ જણાવ્યું કે કિંગ ખાન આ મેચનો ભાગ બનશે કે નહીં.

જૂહીના જણાવ્યા અનુસાર, શાહરૂખ ખાન મંગળવાર રાતથી ઠીક ન હતો, પરંતુ બુધવારે તે સારું અનુભવી રહ્યો હતો. જો બધુ બરાબર રહ્યું અને ભગવાન ઈચ્છે તો શાહરૂખ ખાન જલ્દી સ્વસ્થ થઈ જશે અને સપ્તાહના અંતે તેની ટીમને સપોર્ટ આપતો જોવા મળશે. જ્યારે તેની ટીમ ફાઈનલ રમશે. જો કે એવું પણ માનવામાં આવે છે કે શાહરૂખ ખાનને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે, પરંતુ આ અંગે કોઈ સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ નથી.

21 મેના રોજ શાહરૂખ ખાનની IPL ટીમ KKR અને હૈદરાબાદ વચ્ચે મેચ હતી. શાહરૂખ ખાન પોતાની ટીમને સપોર્ટ કરવા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોંચ્યા હતા. શાહરૂખની ટીમે ફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. તેણે ટીમ સાથે જીતની ઉજવણી પણ કરી હતી. પરંતુ તીવ્ર ગરમીના કારણે કિંગ ખાન ડિહાઇડ્રેશનનો શિકાર બની ગયો હતો, જેના કારણે તેની તબિયત લથડી હતી અને તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.