રાજકોટમાં ફરી સુરત તક્ષશિલા જેવી ઘટના બની છે. આ ઘટનામાં 24 લોકોના મોત થાય છે. આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. અમદાવાદના TRP ગેમઝોન બાદ રાજકોટના TRP ગેમઝોનમાં આગ લાગી છે. આગ લાગતા ગેમઝોન બળીને ખાખ થયું છે. અમદાવાદના TRP મોલમાં આવેલા ગેમ ઝોનના આગના બનાવ બાદ હવે રાજકોટના ગેમ ઝોનમાં ભીષણ આગ લાગી. જ્યારે આગ લાગી ત્યારે ગેમ ઝોનમાં અનેક બાળકો અને તેમના માતા પિતા હાજર હતા. ગેમ ઝોનમાં લાગેલી આગ ગણતરીની મિનિટોમાં જ વિકરાળ બની ગઈ હતી. આગના ધૂમાડા દૂર દૂર સુધી દેખાઈ રહ્યા હતા. તો ફાયર વિભાગે મેજર કોલ જાહેર કરતા ફાયરની ગાડીઓની ખડકલો થઈ ગયો હતો. રાજકોટમાં TRP ગેમઝોનમાં ભયંકર આગ લાગવાની ઘટનાને સમગ્ર શહેરને હચમચાવી નાખ્યું છે. સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સની લાઈનો લાગી છે.

રાજકોટ આગકાંડમાં ગેમઝોનના માલિક યુવરાજસિંહ સોલંકી અને બે મેનેજર યજ્ઞેશ પાઠક અને નીતિન જૈન સહિત 10 લોકોની અટકાયત કરવામાં આવી છે. પોલીસ દ્વારા હજુ પણ મિસિંગ લોકોની યાદી મેળવવામાં આવી રહી છે. કુલ 35 થી 40 લોકો કામ કરતા હતા. પૈકી મિસિંગ કેટલા લોકોની પણ યાદી બનાવવામાં આવી રહી છે. પોલીસની પ્રાથમિક પુછપરછમાં ગેમઝોનમાં શેડ ખાતે વેલ્ડિંગ કામ ચાલુ હતું. જેમાં સ્પાર્ક થવાના કારણે આગ લાગી અને એમાં મોત થયા હોવાની આશંકા સેવાઈ રહી છે.

આઈપીએસ સુભાષ ત્રિવેદી અને અમદાવાદના ફાયર ઓફિસર તથા અન્ય બે અધિકારીઓનો એસઆઈટીમાં સમાવેશ કરવામાં આવે એવી શક્યતા છે. આ તમામ અધિકારીઓ રાજકોટની મુલાકાતે જશે.

રાજકોટ સિવિલ હોસ્પિટલ પી.એમ. રૂમ ખાતે 26 મૃતદેહો લાવવામાં આવ્યા છે. જેઓના પી.એમ. અર્થે સૌપ્રથમ તેમની ઓળખ થઈ શકે તે માટે ડી.એન.એ. ટેસ્ટ કરાવવાનો હોવાથી તેઓનું સેમ્પલિંગ લેવામાં આવી રહ્યું છે. આ સાથે પી.એમ. માટે જરૂરી પંચનામાની કામગીરી અર્થે ગ્રામ્ય પોલીસ પી.આઈ. શ્રી ત્રાજિયાની આગેવાનીમાં 10 થી વધુ પોલીસની ટીમ ખડેપગે કામગીરી કરી રહી છે. મૃતકોના સ્વજનોના ડી.એન.એ. મેચ કરવા માટે રાજકોટ સિવિલ પોલીસ ચોકી ખાતે માતા-પિતા અથવા ભાઈ-બહેન જેવા સ્વજનોના સેમ્પલિંગ લેવાની કામગીરી હાલ ચાલી રહી છે.