શનિવારે રાત્રે રાજધાનીમાં પૂર્વ દિલ્હીના વિવેક વિહારમાં નવજાત બાળકો માટેની ખાનગી હોસ્પિટલમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ કરૂણ અકસ્માતમાં 7 બાળકોના આગના કારણે મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય 5 નવજાત હજુ પણ જીવન અને મૃત્યુ વચ્ચેની લડાઈ લડી રહ્યા છે.
દિલ્હી ફાયર સર્વિસીસ (DFS) તરફથી મળેલી માહિતી અનુસાર, શનિવારે મોડી રાત્રે વિવેક વિહાર સ્થિત ન્યૂ બોર્ન બેબી કેર હોસ્પિટલમાં ભીષણ આગ લાગી હતી. ઘટનાસ્થળે પહોંચેલા ફાયર બ્રિગેડના જવાનોએ કુલ 12 બાળકોને બચાવી લીધા હતા. તેમાંથી 7 ગંભીર રીતે દાઝી ગયેલા નવજાતનાં મોત થયાં છે, જ્યારે અન્ય 5 નવજાત હજુ પણ હોસ્પિટલમાં દાખલ છે. ઘટનાસ્થળે હજુ પણ બચાવ કાર્ય ચાલુ છે.
આગની જાણ થતા પોલીસ અધિકારીઓ અને ફાયરના જવાનો ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી. અગ્નિશમન અધિકારીના જણાવ્યા અનુસાર આગ સંપૂર્ણ રીતે ઓલવાઈ ગઈ છે. ઘટનાસ્થળેથી બચાવી લેવામાં આવેલા નવજાત બાળકોને અન્ય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
દિલ્હી ફાયર સર્વિસે જણાવ્યું હતું કે આગની માહિતી મળ્યા પછી, નવ ફાયર ટેન્ડરોને સ્થળ પર મોકલવામાં આવ્યા હતા અને બચાવ કામગીરી ચાલી રહી છે. ડીએફએસના વડા અતુલ ગર્ગે જણાવ્યું હતું કે મધ્યરાત્રિની આસપાસ એક ફોન આવ્યો હતો. આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી.
પોલીસ પાસેથી મળેલી માહિતી અનુસાર, 25 મેના રોજ રાત્રે લગભગ 11.30 વાગ્યે વિવેક વિહાર પોલીસ સ્ટેશનને આગ અંગે પીસીઆર કોલ આવ્યો હતો. કોલ મળતાની સાથે જ વિવેક વિહારના એસીપી અને એસએચઓ પોલીસ દળ સાથે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા, જ્યાં ન્યૂ બોર્ન બેબી કેર હોસ્પિટલ અને તેની બાજુની બિલ્ડીંગમાં આગ લાગી હતી.
3 માળની ઇમારત બળીને ખાખ
પોલીસના જણાવ્યા અનુસાર, 11 નવજાત શિશુઓને અન્ય લોકોની મદદથી ઈમારતના ઉપરના માળેથી બચાવી લેવામાં આવ્યા હતા અને એમ્બ્યુલન્સ દ્વારા ઈસ્ટ દિલ્હી એડવાન્સ એનઆઈસીયુ હોસ્પિટલ, ડી-237, વિવેક વિહારમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું કે આ ત્રણ માળની ઇમારત છે અને આગને કારણે આખી ઇમારત બળીને ખાખ થઇ ગઇ છે.