દિનેશ કાર્તિકે ક્રિકેટમાંથી સંન્યાસની કરી જાહેરાત, શેર કરી ઇમોશનલ પોસ્ટ…
ટીમ ઈન્ડિયાના સ્ટાર વિકેટકીપર અને બેટ્સમેન દિનેશ કાર્તિકે સંન્યાસ લઈ લીધો છે. દિનેશ કાર્તિકે ઇન્ટરનેશનલ ક્રિકેટની સાથે ડોમેસ્ટિક ક્રિકેટને પણ અલવિદા કહી દીધું છે. તાજેતરમાં, IPL 2024 માં એલિમિનેટર મેચમાં RCBની હાર સાથે, તેણે IPLમાંથી પણ નિવૃત્તિ લીધી હતી. દિનેશ કાર્તિકની આંતરરાષ્ટ્રીય કારકિર્દી 2004માં શરૂ થઈ હતી અને લગભગ 20 વર્ષ બાદ તેણે હવે ક્રિકેટને અલવિદા કહી દીધું છે.
દિનેશ કાર્તિકે સોશિયલ મીડિયા પર એક મિનિટનો વીડિયો પોસ્ટ કરીને નિવૃત્તિની જાહેરાત કરી અને તમામ ચાહકોનો આભાર માન્યો. દિનેશ કાર્તિકે તેમના બાળપણથી લઈને કારકિર્દીના અંત સુધીની તસવીરો વીડિયોમાં સામેલ કરી છે.
દિનેશ કાર્તિક ભાવુક થયો
નિવૃત્તિની જાહેરાત કરતી વખતે દિનેશ કાર્તિક ખૂબ જ ભાવુક થઈ ગયો હતો અને તેણે પોતાના પ્રશંસકો અને કોચનો આભાર માન્યો હતો. તેણે લખ્યું કે આટલી મોટી સફરમાં તેને સાથ આપવા માટે તે તેના કોચ, કેપ્ટન, સિલેક્ટર અને સાથી ખેલાડીઓનો આભાર માને છે. કાર્તિકે કહ્યું કે તેના માતા-પિતાએ તેને હંમેશા શક્તિ આપી છે અને જો તે ન હોત તો તે ક્યારેય આ સ્થાને ન પહોંચી શક્યો હોત. દિનેશ કાર્તિકે તેની પત્ની દીપિકા પલ્લીકલનો પણ આભાર માન્યો જેણે આ ખેલાડીની કારકિર્દીને આગળ વધારવા માટે તેની કારકિર્દીને રોકી દીધી.
દિનેશ કાર્તિકની કારકિર્દી
દિનેશ કાર્તિકે તેની કારકિર્દીમાં કુલ 26 ટેસ્ટ, 94 વનડે અને 60 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. આ સિવાય તેણે 167 ફર્સ્ટ ક્લાસ મેચ, 260 લિસ્ટ A અને 401 T20 મેચ રમી છે. કાર્તિકે ટેસ્ટમાં 1025 રન બનાવ્યા હતા. તેણે ODIમાં પોતાના બેટથી 1752 રન બનાવ્યા હતા. જ્યારે ટી20માં તેણે 686 રન બનાવ્યા હતા. આ ખેલાડીએ પોતાની ફર્સ્ટ ક્લાસ કારકિર્દીમાં 28 સદી અને લિસ્ટ Aમાં 12 સદી ફટકારી હતી. તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં માત્ર એક જ સદી ફટકારી શક્યો હતો.
દિનેશ કાર્તિકનો જન્મ ચેન્નાઈમાં થયો હતો અને તેણે 10 વર્ષની ઉંમરે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું. તે કુવૈતમાં બે વર્ષ રહ્યો જ્યાં તેના પિતા કામ કરતા હતા. દિનેશ કાર્તિકે પણ કુવૈતમાં અભ્યાસ કર્યો હતો પરંતુ તે પછી તે ચેન્નાઈ શિફ્ટ થઈ ગયો હતો. દિનેશ કાર્તિકના કોચ તેમના પિતા હતા જેઓ ફર્સ્ટ ડિવિઝન ક્રિકેટર રહી ચૂક્યા છે. તેમના પિતાએ પોતે તેમના પુત્રને તેમની કારકિર્દી બનાવવા માટે તાલીમ આપી હતી. કાર્તિકે 2002-03માં ફર્સ્ટ ક્લાસ ડેબ્યૂ કર્યું હતું અને 2004માં તે ટીમ ઈન્ડિયા પહોંચ્યો હતો.
દિનેશ કાર્તિક હવે શું કરશે?
દિનેશ કાર્તિક હવે ક્રિકેટના મેદાન પર ક્રિકેટર તરીકે નહીં પરંતુ કોમેન્ટેટર તરીકે જોવા મળશે. કાર્તિક ICC T20 વર્લ્ડ કપમાં પણ કોમેન્ટ્રી કરતો જોવા મળશે, આ સિવાય તે IPL અને અન્ય મોટી લીગમાં પણ આ ભૂમિકામાં જોવા મળી શકે છે.