ઈનાડુ અને રામોજી ફિલ્મ સિટીના સ્થાપક રામોજી રાવનું શનિવારે સવારે હૈદરાબાદની હોસ્પિટલમાં અવસાન થયું હતું. તેમણે 87 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. તેમના દ્વારા સ્થાપિત હૈદરાબાદની રામોજી ફિલ્મ સિટી સાઉથ અને બોલિવૂડ ફિલ્મો માટે એક મોટું પ્લેટફોર્મ છે. આ ફિલ્મ સિટી કેટલાય એકરમાં ફેલાયેલી છે અને અહીં અત્યાર સુધીમાં હજારો ફિલ્મોનું શૂટિંગ થઈ ચૂક્યું છે.
તેલંગાણા બીજેપી ચીફ જી કિશન રેડ્ડીએ રાવના નિધન પર શોક વ્યક્ત કર્યો અને કહ્યું કે તેઓ રામોજી રાવ ગરુના નિધનથી ખૂબ જ દુઃખી છે. પત્રકારત્વ અને તેલુગુ મીડિયામાં તેમના યોગદાનને ભૂલી શકાય તેમ નથી. તેમના પરિવાર પ્રત્યે મારી સંવેદના. રામોજી રાવની હૈદરાબાદની સ્ટાર હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. 5 જૂને તેમની તબિયત બગડતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
રામોજી રાવનું પૂરું નામ ચેરુકુરી રામોજી રાવ હતું. તે બિઝનેસ અને ફિલ્મોની દુનિયામાં મોટું નામ હતું. એવું કહેવાય છે કે તેમના દ્વારા સ્થાપિત રામોજી સ્ટુડિયો વિશ્વનો સૌથી મોટો ફિલ્મ સ્ટુડિયો છે. તેમણે રામોજી ફિલ્મ સિટી, ETV નેટવર્ક, માર્ગદર્શી ચિટફંડ, ડોલ્ફિન હોટેલ્સ અને ઈનાડુ તેલુગુ અખબારનો પાયો નાખ્યો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેમની સંપત્તિ 4.7 અબજ ડોલરથી વધુ છે.
રામોજી રાવના પ્રોડક્શન હાઉસનું નામ ઉષાકિરણ મૂવીઝ છે. તેણે થોડા તુમ બદલો થોડા હમ, પ્રતિઘાત સહિત ઘણી બ્લોકબસ્ટર ફિલ્મો બનાવી. વર્ષ 2000માં તેમને ફિલ્મ ‘નવી કાવલી’ માટે નેશનલ એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ સિવાય તેમને 2016માં પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા.