વલસાડના કલેક્ટરે 2 હજાર કરોડનું કૌભાંડ આચર્યું, કોણે કરી હતી મદદ?…

જ્યારે-જ્યારે સરકાર શપથ ગ્રહણ કરે ત્યારે એક આદર્શ શાસન રાજ્યમાં સ્થાપીશું એવી વાત થાય. પરંતુ અત્યાર સુધી રાજ્યમાં આદર્શ સિસ્ટમ ક્યારેય બની શકી નથી.

ઉદાહરણ સ્વરુપે જોઈ લો રાજકોટનું TRP ગેમઝોન જ્યાં આગકાંડ સર્જાયો અને 28 નિર્દોષ લોકો જીવતા આગમાં હોમાયા. અત્યાર સુધી એટલે કે 4 વર્ષથી સરકાર અને રાજકોટ પ્રશાસની રહેમનજર હેઠળ ચાલતુ હતું. સિસ્ટમના સડાના કારણે આ દૂર્ઘટના બની. સિસ્ટમના સડાનું વધુ એક ઉદારહણ હવે સામે આવ્યું છે. વલસાડના કલેક્ટર અને સુરતના તત્કાલિન કલેક્ટર આયુષ ઓકને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સરકારી જમીન બારોબાર વેંચી મારીને 2 હજાર કરોડની કટકી તેમણે કરી છે.

જે વિગતો સામે આવી છે તે મુજબ ડુમસ ગામના સરવે નંબર 311/3 વાળી 2,17,216 ચોરસ મીટર જગ્યા સરકારી શીર પડતર તરીકે 1948-49 ના વર્ષથી હતી. સરકારી જમીન હોવા છતાં તેમાં કબજેદાર તરીકે કૃષ્ણમુખલાલ ભગવાનદાસનું નામ ગણોતિયા તરીકે નોંધ નંબર 582 અંતર્ગત દાખલ કરવામાં આવેલું હતું.આપને એ જણાવી દઈએ કે સરકારી જમીનમાં ગણોતિયા તરીકે નામ દાખલ થઈ શકે નહીં પરંતુ આમ છતાં ખોટી રીતે નામ જોવા મળ્યું…. એટલું જ નહીં ત્યારબાદ સરકારી શીરે પડતર લખેલી જગ્યા ઉપર પણ લીટી દોરીને ડેરી કંપનીના મેનેજર વી.સી.જાદવનું નામ દાખલ કરાયું હતું. તમને જણાવી દઈએ કે આ પ્રકારે કોઈ પણ ફેરફાર કરવાની સત્તા ફક્ત રેવન્યૂ અધિકારી પાસે હોય છે અને એવો નિયમ પણ છે કે નામ એડ કરતા પહેલાં શોકોઝ નોટિસ આપવી પડે છે. પણ આવું કશું જ આ મામલે જોવા મળ્યું નથી.

આયુષ ઓકની શું ભૂમિકા?

આયુષ ઓક સુરતના કલેક્ટર હતા. પરંતુ લોકસભા ચૂંટણીની જાહેરાત થાય તે પહેલા એક જ જગ્યા પર ત્રણ વર્ષથી ફરજ બજાવતા હોય તેવા આઈએએસ અને આઈપીએસ અધિકારીઓની બદલી કરી નાખવામાં આવી હતી. જેના પગલે સુરતના કલેક્ટર આયુષ ઓકની વલસાડ બદલીનો આદેશ 30મી જાન્યુઆરીએ આવ્યો હતો. નવાઈની વાત એ છે કે આ જમીન સંલગ્ન બાબતોની મંજૂરી પણ તેમણે બદલીના એક દિવસ પહેલાં જ આપી હોવાથી વિવાદ થયો છે. જો કે આ સમગ્ર મામલે ભારે વિવાદ થતા ગુજરાત સરકારના મહેસૂલ વિભાગે સૂઓમોટો લઈને મનાઈ હુકમનો આદેશ આપ્યો હતો.

વિગતોની અવગણના

આ જમીનનું સમયાંતરે અન્ય પાર્ટીઓને વેચાણ થયા પછી જગ્યાને NA કરવા માટેની ફાઈલ પણ જે તે કલેક્ટર સામે રજૂ કરાઈ હતી. તે વખતે તપાસમાં એવી વિગતો સામે આવી હતી કે આ સરકારી જમીન હોવાથી તેને NA કરી શકાય નહીં. જેની સામે માર્ચ 2009માં ગુજરાત હાઈકોર્ટમાં રિટ પિટીશન પણ થઈ હતી. હાઈકોર્ટે કેસ ગણોતધારા હેઠળ જે જગ્યાની ફાળવણી થઈ છે તે ખેડૂત ખાતેદાર છે કે નહીં તેની તપાસનો આદેશ કર્યો હતો.

સિટી પ્રાંતે જૂન 2015માં રિપોર્ટ પણ આપ્યો

તપાસ દરમિયાન બધી વિગતો સામે આવી કે આ તો સરકારી જમીન છે અને બારોબાર સગેવગે કરવાનો કારસો રચાયો છે. આ સમગ્ર મુદ્દે સિટી પ્રાંતે જૂન 2015માં રિપોર્ટ પણ આપ્યો. પરંતુ આ તમામ વિગતો ધ્યાનમાં લીધા વગર જ તત્કાલિન સુરત કલેક્ટર આયુષ ઓકે 29 જાન્યુઆરી 2024 એટલે કે તેમની બદલીના એક દિવસ પહેલા જ કબજેદારે વેચાણ કરેલાઓની તરફેણમાં પોતાનો ચુકાદો આપ્યો હોવાની ચર્ચાઓ હતી.

હવે વાત કરીએ કે આ આખોય કેસ તપાસ સુધી પહોંચ્યો કેવી રીતે… તો કોંગ્રેસ નેતા તુષાર ચૌધરીએ જમીન કૌભાંડ મામલે ફરિયાદ દાખલ કર્યા બાદ સરકાર એક્શનમાં આવી હતી ત્યારબાદ તપાસ હાથ ધરતા આયુષ ઓકના ભ્રષ્ટ મનસુબો સામે આવતા એક્શન લેવાઈ છે. આ મુદ્દે તુષાર ચૌધરીનો આક્ષેપ છે કે, 20 જેટલા ખાનગી વ્યક્તિઓના નામે સરકારી જમીન ચડાવી દેવામાં આવી છે, વધુમાં જણાવ્યું કે, આ કૌભાંડમાં મોટા માથાઓ પણ સમાયેલા છે જેમને પણ ઉઘાડા કરવામાં આવશે, ફક્ત સ્પેન્ડથી લડાઈ પૂરી થતી નથી… એમનું કહેવુ એવુ પણ છે કે રાજકીય વગ હોય તો જ આટલું મોટુ કૌભાંડ કરવાની હિંમત આવે… ભાજપના કોઈ નેતાની સંડોવણી હોવાની આશંકા પણ તેમને વ્યક્ત કરી છે…

સવાલ હવે એ છે સરકારે માત્ર કલેક્ટરને સસ્પેન્ડ કરીને સંતોષ માની લીધો, પણ સરકારને કહેવુ છે કે માત્ર સસ્પેન્ડ કરીને ખુશ ન થાવ આટલું મોટુ કૌભાંડ આચર્યું તો કોઈકની તો સંડોવણી હોય. અધિકારીના પદ પર બેસીને આટલુ ખોટુ કર્યું તો ક્યાંકથી હિંમત મળી હશે. કોણે મદદ કરી તેની તપાસ પણ કરવી જોઈએ. ખાસ સરકારને એ કહેવાનું કે તપાસ કર્યા પછી જે પણ કંઈ અપડેટ હોય તે પોહંચાડજો ક્યાંક એવુ ન બને કે જનતા માત્ર રાહ જોતી રહી જાય.