આ તસવીર જોઈને સવાલ થાય કે, શું ખરેખર ભાજપી નેતાઓ પાથરણા પાથરશે ?
ચૂંટણીઓ પૂર્ણ થઈ ગઈ છે. ગુજરાત ભાજપના સંગઠન અને સરકારમાં ફેરફાર થવાના છે. નેતાઓ રાહ જોઈને બેઠા છે કે, ક્યારે મંત્રીમંડળનું વિસ્તરણ થાય અને ક્યારે અમારા મંત્રી બનવાના કોડ પૂરા થશે. આ બધાની વચ્ચે એક તસવીર સામે આવી છે જે વર્ષો સુધી તળિયા ઘસી ભાજપ માટે મહેનત કરનાર પાયાના કાર્યકરોના ગાલ પર જાણે તમાચો પડ્યો હોય તેવી છે.
વાત શરુ કરુ એ પહેલા આ તસવીર તમે જુઓ સૌથી પહેલા તો… વર્તમાન મંત્રીઓ અને ભાવી મંત્રીઓ લાઈનમાં બેઠા છે તમે એવું કહેશો… પણ સરખુ જુઓ બધાનું મૂળ ગોત્ર કોંગ્રેસનું છે…. મૂળ કોંગ્રેસની નેતાઓ પહેલી હરોળમાં બેઠા છે અને ભાજપના બધા પાછળ….. તસવીરમાં સૌથી પહેલા કુંવરજીભાઈ બાવળિયા, પછી બળવંતસિંહ રાજપૂત પછી સી.જે ચાવડા, ત્યાર પછી અર્જુનભાઈ મોઢવાડિયા…..એટલે આગલી હરોળમાં બેઠેલા પાંચેય નેતા કોંગ્રેસી તો છે જ પણ ત્રણ વર્તમાન મંત્રી અને બાકીના બે સંભવિત મંત્રી છે….ધારાસભ્યની શપથ વિધિ બાદ આ તસવીર સામે આવી છે. જેમાં પ્રથમ લાઇન આખી મુળ કોંગ્રેસી નેતાઓની છે. ત્યાર બાદ બીજી લાઇનમાં ભાનુબેન બાબરિયા, મુળુભાઈ બેરા અને હર્ષ સંઘવી જેવા નેતાઓ બેસ્યા હતા.આ તસવીર જોઈને તો ખરેખર ચર્ચા થાય કે ભાજપના કાર્યકરે પાથરણા પાથરવા પડે તેવી જ સ્થિતિ છે….
હાલ જે મંત્રીઓ છે તેમાંથી ચોથાભાગના મંત્રીઓ કોંગ્રેસી છે. વિજાપુરના ધારાસભ્ય સી.જે.ચાવડા અને પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા મંત્રી બનશે એવી ચર્ચા છે તો હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર તો પહેલાથી વેઈટિંગમાં છે. આ સિવાય ભાજપે જેટલા કોંગ્રેસીઓને કેસરિયા કરાવ્યા કોઈને અને કોઈને કંઈક ને કંઈક તો આશા હોવાની જ. એટલે કોંગ્રેસીઓમાં તો સ્પર્ધા છે જ પણ હવે સ્થિતિ ભાજપમાં કેવી થશે એ મહત્વનું છે. કેમ કે, ભાજપમાં તો હાલમાં કકળાટ ચાલી રહ્યો છે. મૂળ જન સંઘીઓને લાગી રહ્યું છે કે હાઈકમાન્ડ એમને મજૂરોની જેમ ટ્રીટ કરી રહ્યું છે. આ એજ શિસ્તબદ્ધ પાર્ટી છે કે જ્યાં એક આદેશ હોય તો રાજ્યના મુખ્યમંત્રી પણ સંગઠનમાં તેને શિરોમાન્ય ગણે છે. અને ગણગણાટ શુદ્ધા થતો આપણે નથી જોયો. આજે એવું કહી શકાય કે ગુજરાતમાં બધુ સમુ સુતરું નથી. ખાસ કરીને ભાજપમાં.
ભાજપમાં આક્રોશ ધીરે ધીરે વધી રહ્યો છે. પહેલા એક સીટથી શરૂ થયેલો આ આક્રોશ હવે અડધો ડઝન બેઠકો સુધી પહોંચી ગયો છે. અને ચૂંટણી પૂર્ણ થયા પછી તો જાહેરમાં બોલીને વિરોધ વ્યક્ત કરવાનો પરવાનો મળ્યો હોય તેમ સૌરાષ્ટ્ર ભાજપના નેતાઓએ શરુઆત કરીને બાળાપો જાહેરમાં ઠાલવ્યો. આ બધામાં મુદ્દાની વાત એ છે કે, આ વિવાદ આંતરિક છે. અને એનાથી પણ મહત્વપૂર્ણ વાત એ છે કે આવું અત્યાર સુધીના ઈતિહાસમાં ક્યારેય નથી થયું. દિગ્ગજ નેતાથી લઈને ભાજપ સાથે જોડાયેલા તમામને એવું લાગે છે કે, કોંગ્રેસમાંથી આવેલા નેતાઓને આપેલા વચનો પૂર્ણ કરવામાં ભાજપના કાર્યકરોને અન્યાય થયો છે. પાયાના કાર્યકરો તો એટલે સુધી બોલ્યા છે ચૂંટણી વખતે કે અમે 40 વર્ષથી પાર્ટીમાં ચપ્પલ તો ઠીક પગના તળિયા ઘસી નાંખ્યા અમને ટિકિટ ન આપી તો કંઈ નહીં પણ કોંગ્રેસમાંથી આવેલાને કેમ આપી. ભાજપે 5 વિધાનસભાની ચૂંટણીમાં આયાતી કોંગ્રેસી ઉમેદવારોને ટિકિટ આપી ભાજપના નેતાઓને આદેશ કર્યો છે કે આમને જીતાડી દો. જે ભાજપના કાર્યકરોને પચી રહ્યું નથી. એક કે બે દાયકા વિધાનસભામાં મહેનત કરી જે નેતાઓએ ભાજપ માટે જાત ઘસી છે એમને હવે આયાતી ધારાસભ્યો અને સાંસદોને સાહેબ કહેવું પડશે. આ નેતાઓને પોતાની કારકીર્દી ડૂબતી નજર સામે દેખાઈ રહી છે.હજુય આટલું ઓછુ હોય તેમ આ તસવીર સામે આવી જેમાં મૂળ કોંગ્રેસીઓ ભાજપનું નેતૃત્વ કરી રહ્યાં છે.
ભાજપ ભલે એવું કહે કે ઓલ ઈઝ વેલ, પરંતુ ભાજપમાં ક્યાંય ઓલ ઈઝ વેલ નથી. અને તસવીર તો ભાજપના કાર્યકરોની આશા પર જાણે પાણી ફેરવાતું હોય તેવી છે. ઓપરેશન લોટસના પરિણામે આવતા દિવસોમાં રાજ્યમંત્રી મંડળમાં મોટા ફેરફાર આવશે તે વાત નક્કી છે. પણ ફેરફાર પહેલા તો ભાજપમાં અંદરખાને કેટલાય યુદ્ધ લડાઈ જશે. મહત્વની વાત તો હવે કહુ તમને લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા પછી દિલ્હીમાં શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો અને શપથવિધિમાં ગુજરાતના મુખ્યમંત્રી સહિત મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો, પૂર્વ સાંસદ, સંગઠનના ભાજપના નેતાઓ હાજર રહ્યાં હતા. શપથ વિધિમાં જમવાનું ટાળીને કેટલાક નેતાઓ સીધા કેન્દ્રીય નેતૃત્વને મળવા પહોંચી ગયા હતા. કોંગ્રેસમાંથી ભાજપમાં આવીને સારા હોદ્દા લઈ જતા નેતાઓને રોકવાની રજૂઆત કરવા પહોંચી ગયા હતા. અને રજૂઆત કરવામાં આવી કે મંત્રીમંડળનું વિસ્તરણ થાય કે પછી નિગમોમાં નિમણુંક થાય તો મૂળ ભાજપના નેતાઓને ધ્યાનમાં રાખવા તેવી રજૂઆત તેમણે દિલ્હી દરબારમાં કરી દીધી.
આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પણ આવી રહી છે. આ ચૂંટણીમાં સ્થાનિક નેતાઓ પાસેથી જ કામ લેવાનું છે આ બધી સ્થિતિને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવે તેવું કહેવાનો પણ પ્રયાસ હતો. કોઈએ વ્યક્તિગત રજૂઆત ન કરતા સમુહમાં રજૂઆત કરીને કહ્યું કે, કોંગ્રેસના નેતાઓને જ મહત્વ આપવામાં આવે છે ટિકિટ પણ અપાય છે. મંત્રીપદ પણ અપાય છે. આવી સ્થિતિમાં મૂળ ભાજપમાં નેતાઓની અવગણનાનો અહેસાસ અમને થાય છે. એટલે અંદરખાને તો એમને એવો સવાલ મોવડી મંડળને કરવો હતો કે બધુ જ કોંગ્રેસવાળાને આપશો તો અમારે શું કરવાનું. અને આ તસવીર પછી તો ભાજપમાં ઉકળતો ચરુ વધારે ઉકળશે. હવે જોવાનું એ રહેશે કે ભાજપ બધુ સમુસુતરુ પાડવા માટે કેવા નિર્ણયો લે છે. કેમ કે કોંગ્રેસને આપેલા વચનો પૂર્ણ કરવાના છે. નારાજ કાર્યકર્તાઓને નેતાઓને મનાવવાના છે. ચૂંટણીમાં શ્રેષ્ઠ પર્ફોમન્સ આપવાનું છે. જનતામાં વિશ્વાસ પણ બનાવી રાખવાનો છે. કોંગ્રેસ મુક્ત ગુજરાત અને દેશ પણ કરવાનો છે. ઓલરેડી કોંગ્રેસમાં છે એમને પણ સાચવવાના છે. એટલે કંઈક એવું કરવુ પડશે કે જેના કારણે એકસાથે બધા નિશાન સાધી શકાય. સૌથી મહત્વની વાત કે નારાજ કાર્યકરને પાછો લાવવાનો છે.