સનાતન ધર્મમાં ભગવતી શક્તિની ઉપાસનાનું પર્વ એટલે આસો નવરાત્રી. શ્રી શારદાપીઠ દ્વારકાની શાખા “શ્રી કૈલાશધામ- શંકરાચાર્યનગર ખેડાના” ઉપક્રમે, અનતશ્રી વિભૂષિત પશ્ચિમામનાય સામવેદીય દ્વારકાશારદાપીઠાધીશ્વીર જગદગુરુ શંકરાચાર્ય સ્વામીશ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજની નિશ્રામાં આયોજન કરવામાં આવ્યું છે. વિગત દિવસોમાં ફેબ્રુઆરી મહિનામાં ખેડા મુકામે ખૂબ ભવ્યતાથી ભગવતી રાજરાજેશ્વરી માં ત્રિપુરસુંદરી અને ભગવતી માં ભદ્રકાળીની પ્રાણ પ્રતિષ્ઠા જગદગુરુ શંકરાચાર્યજી મહારાજના સાનિધ્યમાં યોજાઈ હતી. ત્યારબાદ સૌપ્રથમ વાર ભવ્યતાથી નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

પ્રતિદિન ભગવતી મંદિરમાં પૂજન અર્ચનનો ક્રમ રહેશે. પ્રતિદિન સાયંકાળમાં ૬ થી ૮ વાગ્યા સુધી જગદગુરુ શંકરાચાર્યજી મહારાજના સાનિધ્યમાં સત્સંગ, ભજનનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યારબાદ ૮ થી ૧૦ સુધી રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. નવરાત્રી દરમિયાન અખંડ ઘી અને તેલના દીવાની વ્યવસ્થા, દુર્ગાસપ્તશતી પાઠ, લલિતાસહસ્ત્રઅર્ચન, હવનાષ્ટમીના દિવસે નવચંડી યજ્ઞ એવા અનેક ધાર્મિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

નવરાત્રી અનુષ્ઠાનને સફળ બનાવવા માટે ખેડા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના શિષ્ય મંડળ ભારે જહેમત ઉઠાવી રહ્યું છે. જગદગુરુ શંકરાચાર્યજી મહારાજના નવરાત્રી અનુષ્ઠાનમાં સર્વ સનાતની જનતા શામેલ થવા માટે શ્રી શારદાપીઠ – દ્વારકાનું ભાવભર્યું નિમંત્રણ છે.

લી.
શ્રી નારાયણાનંદ બ્રહ્મચારી
મંત્રી
(શ્રી શારદાપીઠ – દ્વારકા.)