સ્પોર્ટ્સ ડેસ્ક: એક તરફ 2023 ક્રિકેટ વર્લ્ડ કપનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. વર્લ્ડ કપની ઘણી મેચો કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં પણ યોજાવાની છે. આવી સ્થિતિમાં વર્લ્ડ કપ પહેલા ઈડન ગાર્ડનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે.
કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં આગ લગભગ 11.50 વાગ્યે (9 ઓગસ્ટ) શરૂ થઈ હતી. જે બાદ ફાયરની 2 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. જે બાદ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો.
વર્લ્ડ કપ પહેલા કોલકાતાના ઈડન ગાર્ડનમાં રિનોવેશનનું કામ ચાલી રહ્યું હતું. દરમિયાન બુધવારે મોડી રાત્રે ઈડનના ડ્રેસિંગ રૂમમાં આગ લાગી હતી. ત્યાં કામ કરી રહેલા લોકોએ પહેલા આગ જોઈ હતી. જે બાદ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડે બે એન્જિન દ્વારા આગ પર કાબુ મેળવ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે આગ ડ્રેસિંગ રૂમની ફોલ્સ સિલિંગમાં લાગી હતી જ્યાં ક્રિકેટરોના સાધનો રાખવામાં આવ્યા હતા.
ખેલાડીઓનો તમામ સામાન બળીને ખાખ થયો
જો કે નુકસાન એટલું મોટું ન હતું, પરંતુ ત્યાં હાજર ખેલાડીઓનો તમામ સામાન બળી ગયો હતો. પ્રાથમિક તબક્કે આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે, આ ઘટનાએ આગામી વર્લ્ડ કપ માટે રિનોવેશનના કામ દરમિયાન ઈડનના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર સવાલો ઉભા કર્યા છે.
વર્લ્ડ કપની આ મેચો ઈડન ગાર્ડન્સમાં યોજાશે
28 ઓક્ટોબર: નેધરલેન્ડ વિ બાંગ્લાદેશ
31 ઓક્ટોબર: પાકિસ્તાન વિરુદ્ધ બાંગ્લાદેશ
5 નવેમ્બર: ભારત વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા
11 નવેમ્બર: ઈંગ્લેન્ડ વિરુદ્ધ પાકિસ્તાન
16 નવેમ્બર: સેમી ફાઈનલ 2






