અમરેલીના સુરાગપુરમાં દોઢ વર્ષની બાળકી પડી ખુલ્લા બોરમાં, રોબોટની મદદથી રેસ્ક્યૂ ઓપરેશન શરૂ…
અમરેલી જિલ્લામાં નાનાબાળકોના માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. અમરેલી જિલ્લાના સુરાગપુરમાંથી બોરવેલમાં બાળકી પડી હોવાની ઘટના સામે આવી છે. દોઢ વર્ષની આરોહી નામની બાળકી 40થી 50 ફૂટ ઉંડે ફસાઈ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, જેના પગલે 108ની ઈમરજન્સી ટીમ દ્વારા બાળકીને ઓક્સિજન આપવાની કામગીરી હાથ ધરાઈ છે. બીજી તરફ બાળકીને બચાવવા માટે રોબોટની મદદ લેવામાં આવશે.
સુરાગપુર ગામમાં વહીવટી તંત્રીની ટીમ પહોંચીને આરોહીને બચાવવા કામગીરી હાથ ધરી છે. મેડિકલ ટીમ તેમજ ફાયર ટીમ બચાવ કામગીરીમાં ખડેપગે છે. ત્યારે આ મામલે લાઠીના પ્રાંત અધિકારી નીરવ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, બાળકી બોરવેલમાં પડ્યાની જાણ થતાં તમામ ટીમો ઘટનાસ્થળે પહોંચી છે. બાળકીને હેમખેમ બહાર કાઢવાના પ્રયત્નો ચાલુ છે. બાળકી અંદાજીત 50 ફૂંટ ઊંડે હોવાનું અનુમાન છે. હાલ ઓક્સિજન સપ્લાય ચાલુ છે અને કેમરા દ્વારા બાળકીની સ્થિતિ પર નજર રખાઇ રહી છે.
પ્રાંત અધિકારીએ વધુ માં કહ્યું કે, રોબોટની પણ મદદ લેવામાં આવી છે. રોબોટ 100 ફૂટ ઊંડે જઇ શકે છે, જ્યારે બાળકી 50 ફૂટ ઊંડે છે. જેથી રોબોટની મદદથી રેસ્ક્યૂ ઓપરેશન કરવામાં આવશે.