ગુજરાત: આમ આદમી પાર્ટીના યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ નકલી દૂધના કથિત કૌભાંડનો પર્દાફાશ કર્યો હોવાનો દાવો કર્યો છે. શંકાસ્પદ દૂધ ભરેલા ટેન્કરને અટકાવી તેને પોલીસ સ્ટેશન સુધી લઈ જવામાં આવ્યું હતું. આ કાર્યવાહી દરમિયાન તેમની ઉપર ત્રણ વખત હુમલો કરવામાં આવ્યો હોવાનો પણ ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે.
ત્રણ વખત હુમલાનો આક્ષેપ
યુવરાજસિંહ જાડેજાના જણાવ્યા મુજબ, પરબવાવડીથી હનુમાન ખીજડીયા તરફ જતા સમયે ટેન્કરનો પીછો કરતી વખતે ટેન્કર ડ્રાઈવર અને અન્ય લોકોએ ગાડી રોકી અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો અને વાહનને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો.
તેમણે જણાવ્યું કે:
એક સાથીને કારમાંથી ઢસેડી સ્ટીલની રોડથી માર મારવામાં આવ્યો
સ્પ્લેન્ડર બાઈક પર આવેલા લોકોએ મોટા પથ્થરથી ગાડી પર હુમલો કર્યો
ખીરસરા ગામ નજીક બે ગાડીઓએ ઘેરી અંદાજે 10થી 15 લોકોએ મારપીટ કરી
છેલ્લા ત્રણ મહિનાથી તપાસનો દાવો
યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું કે છેલ્લા ત્રણ મહિનાથી તેઓ ગુજરાતમાં નકલી દૂધના વેપાર અંગે તપાસ કરી રહ્યા હતા. વિસાવદર નજીક હનુમાન ખીજડીયા ગામમાંથી રોજ બે ટેન્કર ગાંધીનગર અને અરવલ્લી વિસ્તાર તરફ જતા હોવાની માહિતી મળી હતી.
ટેન્કર નંબર GJ-33-T-6001 છેલ્લા ત્રણ મહિનાથી વિવિધ સ્થળોએ દૂધ ખાલી કરતું હોવાનો દાવો કર્યો છે. તેમના કહેવા મુજબ આ દૂધ અરવલ્લી જિલ્લાના કેટલાક ગામોની દૂધ મંડળી તથા કેટલીક સહકારી ડેરીઓમાં સપ્લાય થતું હતું.
દૂધમાં યુરિયા અને પામ તેલ મળ્યાનો આક્ષેપ
યુવરાજસિંહ જાડેજાએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું કે આ દૂધમાં યુરિયા, પામ તેલ અને અન્ય રસાયણો ભેળવવામાં આવ્યા હોવાની શંકા છે. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે સહકારી ડેરીઓમાં બહારથી આવેલું દૂધ સ્વીકારવાની મનાઈ હોવા છતાં આ ટેન્કરનું દૂધ કેવી રીતે સ્વીકારવામાં આવતું હતું ? તેમણે દાવો કર્યો કે તેમના પાસે GPS ટ્રેકિંગ સહિતના કેટલાક પુરાવા ઉપલબ્ધ છે.
ટેન્કર સીલ કરી નિષ્પક્ષ તપાસની માંગ
AAP નેતાએ માંગ કરી છે કે: ટેન્કરને તાત્કાલિક સીલ કરવામાં આવે સમગ્ર મામલે નિષ્પક્ષ અને કડક તપાસ થાય
દોષિતો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેમણે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી તથા સંબંધિત વિભાગોને આ મામલે ગંભીરતાથી તપાસ કરવાની વિનંતી કરી છે. હાલ પોલીસે ટેન્કરને કસ્ટડીમાં લઈને તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. સમગ્ર મામલે સત્તાવાર પુષ્ટિ અને તપાસ રિપોર્ટ બાદ જ હકીકત સામે આવશે.







