વિસાવદર પેટાચૂંટણી જીતીને ઉત્સાહમાં આવેલી આમ આદમી પાર્ટીને બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ મોટો ઝટકો આપ્યો છે. ઉમેશ મકવાણાએ પાર્ટીની તમામ જવાબદારીમાંથી રાજીનામું આપી દીધું છે. ગાંધીનગરમાં પત્રકાર પરિષદ યોજી ઉમેશ મકવાણાએ પોતાની વાત રજૂ કરી છે. ઉમેશ મકવાણાએ કહ્યુ કે હું હાલ પાર્ટીના તમામ હોદ્દા પરથી રાજીનામું આપું છું.

ગાંધીનગરમાં પોતાની પત્રકાર પરિષદ દરમિયાન ઉમેશ મકવાણાએ કહ્યુ કે હું આમ આદમી પાર્ટીનો કાર્યકર છું અને રહીશ. ધારાસભ્ય પદેથી રાજીનામું આપવા અંગે કહ્યુ કે બોટાદની જનતાને પૂછીને નિર્ણય કરીશ. હાલ આમ આદમી પાર્ટીએ મને જે જવાબદારી સોંપી હતી, તે તમામ હોદ્દા પરથી હું રાજીનામું આપું છું. નોંધનીય છે કે ઉમેશ મકવાણા ગુજરાત વિધાનસભામાં દંડક પદે હતા. હવે તેમણે આ પદ પરથી પણ રાજીનામું આપ્યું છે. ઉમેશ મકવાણાએ અરવિંદ કેજરીવાલને પત્ર લખી રાજીનામું મોકલી આપ્યું છે.

ઉમેશ મકવાણાને AAPમાંથી 5 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ X પર પોસ્ટ કરીને આ માહિતી આપી છે. અગાઉ ઉમેશ મકવાણાએ નરો વા કુંજરો વા જેવી સ્થિતિ ઊભી કરી હતી. તેમણે ના તો પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું ના તો ધારાસભ્યપદેથી રાજીનામું આપ્યું હતું. તેમણે માત્ર દંડકપદે અને રાષ્ટ્રીય જોઇન્ટ સેક્રેટરી તરીકે રાજીનામું આપીને પાર્ટી પર દબાણ ઊભું કરવાનો પ્રયાસ કર્યો છે.

આમ આદમી પાર્ટીએ 2022ની વિધાનસભા ચૂંટણીમાં બોટાદ બેઠક પરથી ઉમેશ મકવાણાને ટિકિટ આપી હતી. ઉમેશ મકવાણાએ ભાજપના ઘનશ્યામ વિરાણી અને કોંગ્રેસના મનહર પટેલને હરાવ્યા હતાં. ધારાસભ્ય બન્યા બાદ ઉમેશ મકવાણાને આમ આદમી પાર્ટીએ ભાવનગર બેઠક પરથી લોકસભાના ઉમેદવાર બનાવ્યા હતા, જેમાં તેમનો પરાજય થયો હતો.

કોણ છે ઉમેશ મકવાણા?
ઉમેશ નારણ મકવાણા આમ આદમી પાર્ટીના રાજકારણી અને સામાજિક કાર્યકર છે. તેઓ 8 ડિસેમ્બર 2022થી આમ આદમી પાર્ટીના સભ્ય તરીકે બોટાદ વિધાનસભા મતવિસ્તારમાંથી ગુજરાત વિધાનસભાના સભ્ય તરીકે સેવા આપી રહ્યા છે. ઉમેશ મકવાણાનો જન્મ ગુજરાતના બોટાદમાં થયો છે. તેમના પિતાનું નામ નારણ મકવાણા છે. ઉમેશ મકવાણાએ પ્રાથમિક અને માધ્યમિક શાળા શરૂ કરી છે.