ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ થવા લાગી છે. થોડા સમયમાં જ વિધાનસભાની ચૂંટણીનું લિટમસ ટેસ્ટ એટલે કે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી આવશે અને આ ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ અમરેલી જિલ્લામાં ગામડા ખૂંદવાનું શરૂ કરી દીધું છે. બેઠકોનો સિલસિલો શરૂ થઈ ચૂક્યો છે. ત્યારે બીજી તરફ કાર્યકર્તા જોડવા માટે કમર કસી રહી છે. પરંતુ એક સભામાં લગાવેલ બેનર અનેક સવાલો ઊભા કર્યા છે.
જુનાગઢ જિલ્લાની વિસાવદર બેઠક પર વિજય મેળવતાની સાથે જ આમ આદમી પાર્ટીએ અમરેલી જિલ્લાની બેઠકો પર ફોકસ શરૂ કરી દીધું છે. આ દરમિયાન વિસાવદર બેઠકની નજીક આવેલી ધારી વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટીએ પ્રચારનો ધમધમાટ શરૂ કર્યો છે. આ દરમિયાન આમ આદમી પાર્ટીએ એક ગામમાં લગાવેલ બેનરથી અનેક પ્રશ્નો ઊભા થયા છે. એક તરફ આમ આદમી પાર્ટી કાર્યકર્તાઓને જોડી રહ્યા છે. બીજી તરફ આમ આદમી પાર્ટી પોતાના જ ધારાસભ્યને બેનરમાં સ્થાન નથી આપી રહી.
સુધીર વાઘાણીને પડતાં મૂક્યા ?
આમ આદમી પાર્ટી પાસે 4 ધારાસભ્ય છે. જામનગર જિલ્લાની જામજોધપુર બેઠકથી હેમંત ખવા, વિસાવદર બેઠક પરથી ગોપાલ ઇટાલિયા, ભાવનગરની ગારીયાધાર બેઠક પરથી સુધીર વાઘાણી અને ડેડીયાપાડા બેઠક પરથી ચૈતર વસાવા. પરંતુ આમ આદમી પાર્ટી હવે પોતાના એક ધારાસભ્યની ગણતરી જ નથી કરતું તે રીતે સુધીર વાઘાણીને બેનરમાં સ્થાન આપવામાં આવ્યું નથી.
ઉઠયા સવાલો
વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના કુલ 5 ઉમેદવાર વિજેતા થયા હતા. પરંતુ વિસાવદર બેઠક પરના ધારસભ્ય ભૂપત ભાયાણીએ રાજીનામું આપ્યું. ત્યાર બાદ ધારાસભ્ય ઉમેશ મકવાણાએ પણ પક્ષનો સાથ છોડ્યો છે. હવે સુધીર વાઘાણીની બાદબાકી કરવામાં આવી રહી છે. શું સુધીર વાઘાણી પક્ષનો સાથ છોડશે કે આમ આદમી પાર્ટીએ 2027ની ચૂંટણી પહેલા જ પોતાના ધારાસભ્યને પડતાં મૂક્યા છે? એક તરફ કાર્યકર્તા જોડવાની વાતો કરતી આમ આદમી પાર્ટી પોતાના ધાસસભ્યને જ સાથે નથી રાખતા? જોવાનું રહેશે ગુજરાતની રાજનીતિમાં આગળ કેવા સમીકરણો રચાય છે, પરંતુ હાલ આમ આદમી પાર્ટીના આંતરિક સમીકરણો બહુ જ ગોથા ખાઈ રહ્યાં છે.