AAPનું વિસાવદર બેઠક પર ફોકસ, 13 એપ્રિલે યોજાશે નેતાઓનું સંમેલન…
વિસાવદર પેટા ચૂંટણીનો રસ્તો ક્લિયર થતાંની સાથે જ આમ આદમી પાર્ટીએ વિસાવદર બેઠકની પેટા ચૂંટણી માટે ઉમેદવાર તરીકે ગોપાલ ઇટાલિયાનું નામ જાહેર કરી દીધું છે. બીજી તરફ હવે આમ આદમી પાર્ટીએ વિસાવદર પર ફોકસ શરૂ કર્યું છે.
ગુજરાતમાં સ્થાનીક સ્વરાજની ચૂંટણીમાં સફળતા બાદ આમ આદમી પાર્ટી વિસાવદર બેઠકની ચૂંટણીમાં લડી લેવાના મૂડમાં જોવા મળી રહી છે. ભૂપત ભાયાણીના રાજીનામાં બાદ ખાલી પડેલી બેઠક ફરી આમ આદમી પાર્ટી પોતાની પાસે રાખવા એડી ચોંટીનું જોર લગાવી રહી છે. બીજી તરફ 13 તારીખે વિસાવદર ખાતે નેતાઓનું સંમેલન યોજાવા જઈ રહ્યું છે. જેને લઈને એવી પણ ચર્ચા છે કે અરવિંદ કેજરીવાલ વિસાવદર આવી શકે છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જોવા મળ્યું વર્ચસ્વ
થોડા સમય પહેલા રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઇ હતી. જેમાં આમ આદમી પાર્ટીનું પ્રદર્શન સારું રહ્યું હતું. નગરપાલિકાની ચૂંટણીમાં 32 કરતા વધારે સીટ મેળવવામાં આવી હતી. 2 નગરપાલિકામાં વિપક્ષનું સ્થાન મળ્યું તથા 250 સીટ પર પાર્ટીએ બીજું સ્થાન મેળવ્યું હતું. જેને લઈને ત્યારે હવે આગામી ચૂંટણીમાં પાર્ટી મજબૂતાઈથી જંપલાવશે તેવું દેખાઈ રહ્યું છે.
ગુજરાતના પ્રભારીની નિમણૂક
ઇસુદાન ગઢવીએ કહ્યું કે, અરવિંદ કેજરીવાલ સાથે ગુજરાત પ્રદેશ ટીમની એક મિટિંગ મળી હતી. જે મિટિંગમાં ગુજરાતની રણનીતિને લઈને અને ગુજરાતની આગામી ચૂંટણીઓને લઈને તથા સંગઠનને લઈને ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી. ત્યારબાદ વિદ્યાર્થીકાળથી મજબૂતીથી રાજનીતિમાં સક્રિય છે તેવા દિલ્હીના પૂર્વ મંત્રી ગોપાલ રાયજીને ગુજરાતના પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા અને વર્ષોથી આમ આદમી પાર્ટીના સંગઠનમાં કામ કરનાર અને અરવિંદ કેજરીવાલજીના નજીકના ગણાતા દુર્ગેશ પાઠકજીને સહ પ્રભારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.
આગામી 8 એપ્રિલથી ગુજરાતના પ્રભારી અને સહ પ્રભારીનો ગુજરાત પ્રવાસ શરૂ થશે. 8 એપ્રિલના રોજ તેઓ અમદાવાદ આવશે અને 9 એપ્રિલના રોજ પ્રભારી અને સહ પ્રભારીની મધ્ય ઝોનની મીટીંગ થશે જેમાં અમદાવાદ ગાંધીનગરના હોદ્દેદારો હાજર રહેશે. ત્યારબાદ 10 એપ્રિલના રોજ સૌરાષ્ટ્ર અને કચ્છના સંગઠનની મીટીંગ રાજકોટમાં થશે. તારીખ 11 અને 12 તારીખે તેઓ જામનગર અને જૂનાગઢ ખાતે રોકાશે. અને 13 તારીખે વિસાવદર ખાતે સમગ્ર ગુજરાતના હોદ્દેદારો અને કાર્યકર્તાઓનું મહાસંમેલન યોજાશે. આ કાર્યક્રમમાં છ મહિનાનો રોડ મેપ તૈયાર કરીને કાર્યકર્તાઓને દિશાને નિર્દેશ આપવામાં આવશે.
કેજરીવાલ દર 6 મહિને લેશે ગુજરાતની મુલાકાત
ઇસુદાન ગઢવીએ કહ્યું કે, આવનારા સમયમાં તમામ 182 વિધાનસભા સીટ ઉપર સમગ્ર દેશમાંથી મજબૂત નેતાઓને ઓબ્ઝર્વર તરીકે નિયુક્ત કરવામાં આવશે. આગામી ત્રણ વર્ષ માટે આમ આદમી પાર્ટીએ મજબૂત રોડ મેપ તૈયાર કર્યો છે. દર છ મહિને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજી ગુજરાત પ્રવાસે આવશે અને સંગઠનની કામગીરીને રિવ્યુ કરશે. અમારું પ્લાનિંગ છે કે સપ્ટેમ્બર મહિના સુધીમાં તાલુકા, ગ્રામ્ય અને વોર્ડ કક્ષાની ટીમો તૈયાર થઈ જશે ત્યારબાદ ડિસેમ્બરમાં અરવિંદ કેજરીવાલજી એક વિશાળ મહાસંમેલનમાં હાજરી આપશે.