મહાદેવ ઓનલાઈન સટ્ટાબાજી એપ કેસમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઘણા સ્ટાર્સના નામ સામે આવી રહ્યા છે. હવે આમાં અભિનેતા સાહિલ ખાનનું નામ પણ સામે આવ્યું છે. પોલીસે તેમની સામે ગુનો નોંધ્યો છે. ‘સ્ટાઈલ’ ફેમ એક્ટર સાહિલ આ કેસમાં આરોપી નંબર 26 છે. રિપોર્ટ્સ અનુસાર, સાહિલ ખાન પર મહાદેવની ઓનલાઈન સટ્ટાબાજીની એપ સાથે જોડાયેલી બીજી બેટિંગ એપ કથિત રીતે ચલાવવાનો આરોપ છે. અભિનેતા વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી એફઆઈઆરમાં કહેવામાં આવ્યું છે કે, ‘સાહિલ પર આરોપ છે કે તેણે ન માત્ર એપનો પ્રચાર કર્યો પરંતુ એપ ચલાવીને મોટો નફો પણ મેળવ્યો.
આ સ્ટાર્સના નામ આવ્યા સામે
ઓક્ટોબરમાં EDએ આ કેસમાં હિના ખાન, કપિલ શર્મા, હુમા કુરેશી, શ્રદ્ધા કપૂર સહિત ઘણા સ્ટાર્સને સમન્સ પાઠવ્યા હતા. હવે આ જ કેસમાં કથિત સંડોવણી બદલ મુંબઈ પોલીસે સાહિલ ખાન પર પણ કેસ દાખલ કર્યો છે. મળતી માહિતી મુજબ, ગયા અઠવાડિયે સાહિલ ખાન સહિત 30 લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે.
સામાજિક કાર્યકરની ફરિયાદ બાદ દાખલ થયો કેસ
સાહિલ વિરુદ્ધ FIR. મુંબઈના સામાજિક કાર્યકર પ્રકાશ બંકરે ફરિયાદ નોંધાવ્યા બાદ સમગ્ર પ્રકરણ બહાર આવ્યું છે. તેણે આરોપ લગાવ્યો છે કે સટ્ટાબાજીની એપ્સ દ્વારા લોકો સાથે રૂ. 15,000 કરોડથી વધુની છેતરપિંડી કરવામાં આવી છે. માટુંગા પોલીસે જુગાર ધારા અને આઈટી એક્ટ ઉપરાંત આઈપીસીની વિવિધ કલમો હેઠળ આ કેસ નોંધ્યો છે.
પાવરનો ઉપયોગ કરીને સેલિબ્રિટીને ફોન કરવાનો આરોપ!
સાહિલ ખાન માત્ર એક્ટર જ નથી પરંતુ ફિટનેસ માસ્ટર પણ છે. તેના પર આરોપ છે કે તેણે કથિત રીતે પોતાના પ્રભાવનો ઉપયોગ કરીને સેલિબ્રિટીઓને આમંત્રિત કરવા અને એપના પ્રચાર માટે પાર્ટીઓનું આયોજન કર્યું. હાલ આ મામલે તપાસ ચાલી રહી છે. હાલમાં સાહિલ ખાન વિરુદ્ધ એપ ઓપરેટર તરીકે કેસ નોંધવામાં આવ્યો છે. તેની સામે ખિલાડી નામની સટ્ટાબાજીની એપ ચલાવવાનો પણ કેસ નોંધવામાં આવ્યો છે.