બોટાદ જિલ્લાના હડદડ ગામે આમ આદમી પાર્ટી (AAP) દ્વારા યોજાયેલી કિસાન મહાપંચાયત દરમિયાન ભારે તણાવ સર્જાયો. કાર્યક્રમ દરમિયાન અચાનક પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ સર્જાતા સ્થિતિ બેકાબૂ બની ગઈ. મહાપંચાયત દરમિયાન પોલીસને અચાનક પથ્થરમારો કરાયો હતો. આ હુમલામાં પોલીસના કેટલાક જવાનોને ઈજા પહોંચી અને પોલીસ વાહનોને પણ નુકસાન થયું. ઘટનાના પગલે બોટાદ પોલીસ તાત્કાલિક હરકતમાં આવી હતી. પોલીસે AAPના સ્થાનિક હોદ્દેદારો, કાર્યકરો તેમજ નેતાઓ સહિત 85 જેટલા લોકો સામે નામજોગ ફરિયાદ (FIR) નોંધાવી છે. અનેક આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે અને અન્યની ધરપકડ માટે તપાસ ચાલુ છે.

આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા, પ્રવિણ રામ, એક મહિલા સહિતના નેતા- હોદ્દેદારોના નામ જોગ ફરિયાદ નોંધાઈ છે. પાળીયાદ પોલીસ સ્ટેશનના પીઆઈ પી.ડી.વાંદાએ નોંધાવેલી ફરિયાદમાં આપના નેતા- હોદ્દેદારો સહિત 85 શખ્સોના નામ દર્શાવવામાં આવ્યાં છે. આપના નેતા- હોદ્દેદારોએ પૂર્વ આયોજીત કાવતરૂં રચીને સોશિયલ મીડિયાના માધ્યમથી જાહેરાત કરી ઉશ્કેરણીજનક ભાષણો આપી ટોળાને ઉશ્કેર્યું હતું. ઉશ્કેરાયેલા શખ્સોએ આડેધડ પથ્થરમાર, રેતી ભરેલી બૉટલો, ઈંટોના ટુકડા ફેંકી પોલીસના વાહનોમાં તોડફોડ કરી તેને પલટાવી પ્રજામાં ભયનો માહોલ પેદા કર્યો હતો. ટોળાએ કરેલા હિંસક હુમલામાં ડીવાયએસપી મહર્ષિ રાવલ, એલસીબી પીઆઈ એ.જી.સોલંકી, એએસઆઈ ભગીરથસિંહ લીંબોલા અને કૉન્સ્ટેબલ રોહિતકુમાર લાધવાને ઈજાઓ પહોંચાડી હતી. રોહિત લાધવા અને પીઆઈ સોલંકીને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે. અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ બોટાદના જાહેરનામાનો ભંગ કરીને તોફાની ટોળાએ સરકારી મિલકતને 6 લાખ રૂપિયાનું નુકસાન પહોંચાડ્યું છે.

હાલ હડદડ ગામ અને આસપાસના વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત વધારવામાં આવ્યો છે જેથી શાંતિ જળવાય. આ ઘટનાએ રાજકીય તાપમાન વધાર્યું છે. AAPના સ્થાનિક નેતાઓએ પોલીસ પર અતિશય બળપ્રયોગનો આરોપ મૂક્યો છે, જ્યારે પોલીસ અધિકારીઓએ કાયદો હાથમાં લેવાની ચેતવણી આપી છે.

શું હતી આખી ઘટના?
બોટાદ APMCમાં કપાસ અને અન્ય જણસમાં કડદો કરી ચલાવતી લૂંટ બંધ કરવા માટે ખેડૂતો સાથે મહાપંચાયત કરવાની આમ આદમી પાર્ટીએ જાહેરાત કરી હતી. જેના માટે મંજૂરી માંગવામાં આવી હતી પરંતુ મહાપંચાયતની મંજૂરી મળી ન હતી. જે બાદ બોટાદ APMCમાં મોટી સંખ્યામાં ખેડૂતો અને આમ આદમી પાર્ટીના નેતાઓ ભેગા થઈ ગયા હતા. જે બાદ ત્યાં જ ખેડૂતો સાથે મહાપંચાયત યોજવામાં આવી હતી. જે વચ્ચે પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થયું હતું. જેમાં ગાડીઓમાં તોડફોડ અને પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો. ખેડૂતો અને પોલીસ વચ્ચેના ઘર્ષણમાં ભાજપના સમર્થકોએ પથ્થરમારો કર્યો હોવાનો આમ આદમી પાર્ટીએ આક્ષેપ કર્યો છે.

ખેડૂતો પર અત્યાચારના વિરોધમાં કાળો દિવસ ઉજવાયો
ખેડૂતો પર ભાજપ સરકાર દ્વારા કથિત રીતે વર્તાવવામાં આવેલા ‘કાળા કેર’ અને અત્યાચારના વિરોધમાં આજે સોમવારના રોજ આમ આદમી પાર્ટી દ્વારા રાજ્યભરમાં ‘કાળો દિવસ’ જાહેર કરીને વિરોધ પ્રદર્શનો યોજવામાં આવ્યાં. જેમાં સુરતમાં વિરોધ દરમિયાન આપના નેતાઓની પોલીસ દ્વારા ખેંચી-ખેંચીને ટીંગાટોળી સાથે અટકાયત કરવામાં આવી હતી. તો જુનાગઢમાં પણ આમ આદમી પાર્ટીના મહિલા પ્રદેશ અધ્યક્ષ રેશ્મા પટેલની આગેવાનીમાં કાર્યકર્તાઓએ માથા પર કાળી પટ્ટી બાંધી વિરોધ નોંધાવી રોષ વ્યક્ત કર્યો હતો, જેને લઇ જુનાગઢ પોલીસે કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. વડોદરામાં પણ AAPએ ભાજપ સરકાર સામે નારા લગાવી વિરોધ નોંધાવ્યો હતો.

AAPની મોટી જાહેરાત શું?
રાજ્યભરની 400થી વધુ APMC માં ચાલતી લૂંટનો પર્દાફાશ કરવાની જાહેરાત કરતા આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી જણાવે છે કે, અમે બોટાદ જ નહીં ગુજરાતમાં 400થી વધુ APMCમાં 100 ટીમ બનાવી લૂંટનો પર્દાફાસ કરીશું. ખેડૂતો માટે 91049 18196 હેલ્પ લાઇન નંબર જાહેર કરીએ છીએ. ખેડૂતો હેલ્પલાઇન નંબર પર ફરિયાદ કરશે તો અમારી ટીમ APMC પર પહોંચીને લૂંટનો પર્દાફાશ કરશે. ગુજરાત ભરમાં આજે અમે કાળા દિવસ તરીકે ઉજવણી કરીએ છીએ. તમારામાં જેટલી તાકાત હોય તેટલી પોલીસ ગોઠવવી હોય અને લડવા તૈયાર છીએ. કડદામાં ખેડૂતોને લૂંટથી બચાવવા માટે કામ કરીશું. અનેક AAPના નેતાઓ સામે ફરિયાદ નોંધવામાં આવી છે, જો તમે ફરિયાદ કરીશો તો 54 લાખ ખેડૂતો ભાજપનો એક પણ કાર્યક્રમ થવા નહીં દે. મુખ્યમંત્રી દાદા ભગવાનમાં માનતા હોત તો કડદા પ્રથા બંધ કરવાની સૂચના આપવી જોઈએ. રાવણના જેમ અહંકાર અત્યારે ભાજપના નેતાઓમાં જોવા મળી રહ્યો છે. રાવણનો આત્મા અત્યારે ભાજપના નેતાઓમાં બેસી ગયો છે.