રાજ્યમાં એકપછી એક જે રીતે મહિલાઓ પર અત્યાચારની ઘટનાઓ બની રહી છે. સવાલોનો મારો મગજ પર સતત દરેક મિનિટે ચાલી રહ્યો છે. દાહોદ, વડોદરા, રાજકોટ, ભુજ , ધ્રાંગધ્રા, મહેસાણા અને સુરેન્દ્રનગર પછી હવે કચ્છમાં યુવતી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું. ગરબા જોઈને ઘરે જતી હતી. કોઈ જ વાંક નહોતો અને એની સાથે આ કૃત્ય આચરવામાં આવ્યું.

કચ્છના રાપરમાંથી એક હૈયુ હચમચાવી નાંખે તેવી ઘટના સામે આવી છે. રાપર તાલુકાના આડેસરમાં યુવતી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું. પોલીસની ફરિયાદમાં નોંધાયા પ્રમાણે મંગળવારે રાપર તાલુકાના આડેસરમાં 18 વર્ષની યુવતી તેની માતા સાથે 6 તારીખની રાત્રે આડેસર ગામના પેટ્રોલપંપ પાસે નવરાત્રી જોવા માટે ગયા હતા.. ત્યારે મોડી રાત્રે દિકરીના મમ્મી ઘરે જવા નીકળી ગયેલા અને એ દિકરી નવરાત્રીની ગરબા જોવા માટે રોકાઈ. એક વાગ્યા આસપાસ એ ઘરે પરત જતી હતી. એ દરમિયાન તેની સાથે દુષ્કર્મ થયું.

જ્યારે યુવતી ગરબા જોઈને ઘરે જવા નીકળી એ દરમિયાન ગામની સણવા ચોકડી પાસે ગેસ લાઈનથી એ 100 મીટર જેટલું આગળ ગઈ હશે અને ત્યાં ચક્કર આવવા લાગ્યા અને એ જ્યાં બેઠી એની પાછળની સાઈડ એક પેવર બ્લોકનું કારખાનું આવેલું છે. એ કારખાનાથી થોડેક દુર જ એનુ ઘર છે. યુવતીને ચક્કર આવ્યા એટલે કારખાના પાસે કપચીનો ઢગલો પડ્યો હતો તેના પર એ બેસી ગઈ. એટલામાં કારખનામાં કામ કરતો સંજય ત્યાં આવ્યો જેને આ દિકરી ઓળખે છે. તે યુવતી પાસે આવ્યો અને સ્વાભાવિક પુછ્યુ કે આટલી રાત્રે અહીંયા કેમ બેઠી છે. તો યુવતીએ કહ્યું કે ચક્કર આવે છે. સામેથી સંજયએ એવું કહ્યું કે કારખામાં ચાલ રુમમાં પાણી રાખ્યુ છે તું પી લે. એ ગઈ પાણી પીતી હતી ત્યાં કારખાનાનો માલિક પ્રવિણ કરશન રાજપૂત અને ભરત ત્યાં આવ્યા. ત્યારપછી કારખાનાના માલિક પ્રવિણે સંજય અને ભરતને બહાર કાઢયા અને દરવાજો બંધ કરી દીધો.

પ્રવિણે યુવતીનો હાથ પકડ્યો તો એણે બૂમાબુમ કરી. ત્યાર પછી પ્રવિણે યુવતીને જાતિવિષયક અપશબ્દો બોલી અને તેના પર દુષ્કર્મ આચર્યું. બહાર રહેલા બંને લોકો દરવાજો ખખડાવી યુવતીને બચાવવા પ્રયત્ન કરી રહ્યાં હતા પણ એ સફળ ન થયા. બાદમાં પ્રવિણે દરવાજો ખોલ્યો અને યુવતી ત્યાંથી ભાગીને ઘરે પહોંચી. આ ઘટનાથી બહુ જ ડરી ગઈ હતી. પણ માતા-પિતાએ સમજાવી અને આશ્વાસન પણ આપ્યું એટલે ફરિયાદ 10 તારીખે નોંધાવી.

ગૃહરાજ્ય મંત્રી નવરાત્રીમાં મોડે સુધી ગરબા રમવાની વાત તો કરે છે એમાં કોઈ જ વાંધો નથી પણ એમને સાથે દિકરીઓની સલામતીની પણ હવે ગેરેન્ટી આપવી પડશે… આજે ગૃહરાજ્યમંત્રી કચ્છમાં હતા અને આ ઘટના નોંધાય છે. દિકરીઓને શક્તિનું સ્વરુપ માનીને એની પૂજા પણ થાય અને એના પર દુષ્કર્મ પણ થાય. એ શક્તિએ હજુ કેટલું સહન કરવાનું છે એ વિચારો સતાવી રહ્યાં છે મનમાં. એક ઘટનામાં ઉભા થયેલા પ્રશ્નોના જવાબ મળતા નથી ત્યાં રાજ્યના બીજા કોઈ ખુણેથી બીજી કોઈ ઘટના સામે આવે છે. સમાજની માનસિકતા, મગજની વિકૃતિઓ કે કાયદો અને વ્યવસ્થા કોને દોષ આપવો એ સમજીએ એ પહેલા તો મહિલાઓ પર થતા અત્યાચારની ઘટનાઓનો આંકડો સતત વધી રહ્યો છે. કઈ બાજુ આપણે જઈ રહ્યાં છીએ એ સૌથી મહત્વનું છે. દિકરીની ઉમર 18 વર્ષની હતી એટલે અંદાજ લગાવી શકાય કે એના પર શું વિત્યુ હશે કેટલાય વિચારો એના મગજ પર હાવી થયા હશે. ગુસ્સો, શરમ, ક્રોધ , ડર સહિત કેટલા અહેસાસોનો એણે સામનો કર્યો હશે એકસાથે, પણ રાજ્યમાં અમુક ઘટનાઓ તો એવી છે જ્યાં દિકરીઓ માત્ર 6 વર્ષની કે એક વર્ષની પણ છે જેની પીડાની આપણે ક્યારેય કલ્પના પણ નથી કરી શકવાના. આટલી માનસિક વિકૃતિ ક્યાંથી જન્મી એ શોધવા કરતા હવે આપણે એ દિશા તરફ જવાનું છે કે, આટલી બધી માનસિક વિકૃતિઓને ડામી કેવી રીતે શકીશું.