ભારત બાદ હવે નેપાળે પણ ચાઈનીઝ સોશિયલ મીડિયા ટિકટોક પર પ્રતિબંધ લગાવી દીધો છે. હવે TikTok નેપાળમાં પણ ઉપયોગમાં લઈ શકાશે નહીં. તેને સંપૂર્ણપણે રોકવા માટે પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. સોમવારે વડાપ્રધાન પુષ્પકમલ દહલ પ્રચંડની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં TikTok પર પ્રતિબંધ મૂકવાની મંજૂરી આપવામાં આવી હતી.

કેબિનેટની બેઠકના નિર્ણય વિશે માહિતી આપતાં સરકારના પ્રવક્તા રેખા શર્માએ કહ્યું કે કેબિનેટની મંજૂરી મળતાં જ પ્રક્રિયા તરત જ શરૂ કરી દેવામાં આવી છે. શર્માએ કહ્યું કે કેબિનેટના નિર્ણયને ગેઝેટમાં પ્રસિદ્ધ કરવા માટે મોકલવામાં આવ્યો છે. આ સાથે નેપાળના તમામ ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર્સને એક પત્ર પણ મોકલવામાં આવ્યો છે.

સમાજ પર ખરાબ અસર
નેપાળ સરકારે કહ્યું છે કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ TikTokની સમાજ પર ખરાબ અસર પડી રહી છે. તેના દ્વારા નકારાત્મક પ્રચાર કરવામાં આવી રહ્યો છે. બાળકો પર તેની અસર ખૂબ જ ખતરનાક છે.

સરકાર એક બિલ પણ લાવી રહી છે
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નજર રાખવા માટે નેપાળની સંસદમાં એક બિલ પણ વિચારણા હેઠળ છે. તેના દુરુપયોગને રોકવા માટે અભિવ્યક્તિની સ્વતંત્રતાના નામે સોશિયલ મીડિયાનું નિયમન અને નિયંત્રણ કરવા માંગે છે. એક જૂથ તેનો વિરોધ પણ કરી રહ્યું છે.