ભારતીય ટીમે T-20 વર્લ્ડ કપ જીત્યા બાદ ફેન્સ માટે એક પછી એક દિલધડક સમાચાર આવી રહ્યા છે. કેપ્ટન રોહિત શર્મા અને કિંગ કોહલી બાદ હવે જડ્ડુ એટલે કે રવિન્દ્ર જાડેજાએ પણ ઈન્ટરનેશનલ T-20 ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. રવિન્દ્ર જાડેજાએ પોતે ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં આ માહિતી આપી છે.
10 ફેબ્રુઆરી 2009ના રોજ જાડેજાએ પોતાની પ્રથમ મેચ શ્રીલંકા સામે કોલંબોમાં રમી હતી. પોતાની ડેબ્યૂ ટી20માં જાડેજાએ 4 ઓવરમાં 29 રન આપીને કોઈ વિકેટ લીધી ન હતી. જ્યારે બેટથી 7 બોલમાં 5 રન બનાવ્યા હતા.
ડેબ્યૂ મેચ અને છેલ્લી મેચ સમાન
જાડેજાએ ટી20 વર્લ્ડ કપ 2024ની છેલ્લી મેચ રમી હતી . આ મેચમાં જાડેજાએ બેટથી 2 રન બનાવ્યા હતા. જ્યારે બોલિંગમાં પણ તે 12 રન આપીને કોઈ વિકેટ લઈ શક્યો નહોતો. એટલે કે તેની ડેબ્યૂ અને છેલ્લી મેચ લગભગ સમાન રહી છે.
View this post on Instagram
T20 વર્લ્ડ કપ રમવાનો અનુભવ હોવા છતાં જાડેજા આ વખતે T20 વર્લ્ડ કપમાં કોઈ જાદુ દેખાડી શક્યો નથી. તેણે આ T20 વર્લ્ડ કપ 2024 સીઝનમાં અત્યાર સુધી 8 મેચોની 5 ઇનિંગ્સમાં બેટિંગ કરી છે. જેમાં 11.66ની એવરેજ અને 159.09ની સ્ટ્રાઈક રેટથી 35 રન બનાવ્યા છે. જાડેજાની સૌથી મોટી ઇનિંગ અણનમ 17 રનની હતી.
જાડેજા આ વર્લ્ડ કપમાં બોલિંગમાં કોઈ જાદુ નથી બતાવી શક્યો. તેણે કુલ 14 ઓવર નાખી, જેમાં તેણે માત્ર 1 વિકેટ લીધી. એકંદરે, જાડેજાએ 6 T20 વર્લ્ડ કપમાં 30 મેચ રમી, જેમાં તેણે બેટથી 130 રન બનાવ્યા. આ દરમિયાન તેણે કુલ 22 વિકેટ પણ લીધી છે. આ વખતે એટલે કે 2024 સીઝનમાં તેનું ફોર્મ તેને સાથ આપી શક્યું નહીં.