સુરત: શહેરમાં રવિવારે મોડી રાત્રે અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર જેવો ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં BRTS રૂટમાં પૂરપાટ ઝડપે કાર હંકારી રહેલા યુવકે એક બાદ એક 6 જેટલા લોકોને અડફેટે લીધા હતા. અકસ્માત સર્જનાર ચાલક દારૂના નશામાં હોવાનું પણ સામે આવ્યું હતું. ત્યારે રાજ્યમાં આ રીતે બની રહેલા ગંભીર અકસ્માતની ઘટનાઓ પર વરાછાના ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ ટ્રાફિકની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે.
ટ્રાફિક પોલીસની કામગીરી પર સવાલો
કુમાર કાનાણીએ કહ્યું કે, અમદાવાદમાં અકસ્માતની ઘટના બાદ આખા ગુજરાતમાં પોલીસની કાર્યવાહી ચાલી રહી છે. પરંતુ હું ચોક્કસ માનું છે કે પોલીસ મોટાભાગની કાર્યવાહી દિવસના કરે છે, દિવસના ડ્રાઈવ ચાલી રહી છે. 20-25 પોલીસ જવાનો રોડ પર ઊભા રહીને ટ્રાફિકના નિયમનો ભંગ કરનારા લોકોને દંડે છે, તો આ જે ઘટનાઓ બને છે એ ઘટનાઓ મોડી રાત્રે બને છે. દિવસના આવી ઘટનાઓ બનવાની કોઈ શક્યતા નથી. કારણ કે દિવસે તો ટ્રાફિક હોય છે, દિવસે નશા કરીને ડ્રાઈવ કરનારા નીકળતા પણ નથી. આવી કાર્યવાહીથી તો સામાન્ય અને ગરીબ લોકો ભોગ બને છે.
મુખ્યમંત્રીને પણ કુમાર કાનાણી કરશે રજૂઆત
તેમણે આગળ કહ્યું કે, લાઈસન્સ કે હેલ્મેટ કે નંબર પ્લેટ. આવી બધી વાતો કરીને લોકોને દંડવામાં આવે છે. તો આવી બધી ઘટનાઓ તો રાત્રે બને છે. મોડી રાત્રે આ નશો કરનારા યુવાનોના કાર્યક્રમ ચાલે છે. તો હું ચોક્કસ માનું છું કે પોલીસની કાર્યવાહી મોડી રાત્રે થવી જોઈએ. આ સાથે તેમણે કહ્યું કે, ફક્ત વહીવટી તંત્ર પર આધાર રાખવાને બદલે હવે મા-બાપે પણ જાગૃત થવું પડશે. હેલમેટ, લાયસન્સ. નંબર પ્લેટ જેવી બાબતે સામાન્ય પ્રજાને દંડવામાં આવે છે. તેમણે કહ્યું કે, આવી ઘટના રોકવાની ફરજ આપણા બધાની છે અને આ મુદ્દે મુખ્યમંત્રી અને ગૃહમંત્રીનું ધ્યાન દોરીશું.