Ahmedabad: ઇલેક્ટ્રિક વ્હીકલના શો રૂમમાં લાગી વિકરાળ આગ, આસપાસની દુકાનો ખાલી કરાઈ
દેશભરમાંથી ઇલેક્ટ્રિક વ્હીકલમાં બેટરી બ્લાસ્ટ થવાના એક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. ત્યારે હવે ઇલેક્ટ્રિક વ્હીકલના શો રૂમમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. અમદાવાદ શહેરના અસારવા વિસ્તારમાં આવેલા ઇલેક્ટ્રીક વ્હીકલના શોરૂમમાં આગ લાગવાની ઘટના સર્જાઈ હતી. આગ લાગતાં શોરૂમમાં રહેલી બેટરીઓ ધડાધડ ફાટવા લાગી હતી. જેના લીધે શોરૂમના કાચ પણ તૂટી ગયા. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આસપાસની દુકાનો ખાલી કરાવી હતી.
અમદાવાદ શહેરના અસારવા વિસ્તારમાં અભિષેક-3 એસ્ટેટમાં આવેલા ઈલેક્ટ્રિક વ્હીકલના શોરૂમમાં આગ લાગવાની ઘટના બની હતી. આગ લાગતાંની સાથે જ બેટરીઓ ધડાકા સાથે ફાટવા લાગી હતી, જેનાથી કાચ પણ તૂટ્યા હતા. આસપાસની દુકાનમાં રહેલા લોકોમાં ભય ફેલાયો હતો. આની જાણ કરવામાં આવતાં ત્રણ જેટલી ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. ફાયરબ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. ઈલેક્ટ્રિક બેટરીમાં કોઈ કારણોસર આગ લાગી હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે. આગ લાગવાની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ શોરૂમમાં આગને કારણે મોટું નુકસાન થયું છે.
પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે કે કોઈ અગમ્ય કારણોસર બેટરીમાં આગ લાગી હતી. જેના લીધે અન્ય બેટરીઓમાં બ્લાસ્ટ થતાં આગે મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગના લીધે ચારે તરફ ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. આસપાસના વિસ્તારમાંથી લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.







