ગાંધીનગર: ગુજરાત સરકારમાં મંત્રીમંડળના વિસ્તરણને લઈને સત્તાવાર કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. સૂત્રો મુજબ હાલના અનેક મંત્રીઓએ પોતાના રાજીનામા સોંપી દીધા છે. રાજ્યના મુખ્ય પ્રધાન આજે સાંજે નવા મંત્રીમંડળની યાદી રાજ્યપાલને સોંપી શકે છે. રાત્રે 8 વાગ્યે CM નિવાસસ્થાને મહત્વપૂર્ણ બેઠક બોલાવવામાં આવી છે, જેમાં નવા મંત્રીઓના નામો પર અંતિમ મંજૂરી અપાશે.
આગામી 17 ઓક્ટોબરના રોજ ગાંધીનગરના મહાત્મા મંદિરમાં સવારે 11:30 વાગ્યે નવા મંત્રીઓ શપથ લેશે. રાજ્યપાલ નવા પદનામિત મંત્રીઓને શપથ લેવડાવશે. આ વિસ્તરણ બાદ સરકારના રાજકીય સમીકરણોમાં મહત્વના ફેરફારો થવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે.
નવા મંત્રીમંડળમાં યુવા ચહેરાઓને પણ તક મળવાની સંભાવના છે. ભાજપ સંગઠન સ્તરે પણ સતત ચર્ચાઓ ચાલી રહી છે. ગુજરાતની રાજકીય હવા ફરી એકવાર ગરમાઈ ગઈ છે. તમામ તૈયારીઓને પણ આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી સુનીલ બંસલ ગુજરાત આવી ગયા છે. તેમણે સર્કિટ હાઉસ ખાતે સંગઠન મહામંત્રી રત્નાકર અને ગાંધીનગર શહેર ભાજપ પ્રમુખ આશિષ દવે સાથે મુલાકાત કરી હતી. CM ભૂપેન્દ્ર પટેલ પણ મુંબઈથી પરત આવી ગયા છે. સાથે જ ધારાસભ્ય નિવાસસ્થાને મોટાભાગના ધારાસભ્યો આવી ગયા છે.
સામાન્ય રીતે દર બુધવારે મળતી કેબિનેટની બેઠક પણ 15 ઓક્ટોબરના રોજ મળી નહોતી. આજે ગુરુવારે કેબિનેટની બેઠક મળશે એવું નક્કી થયું હતું, જોકે અચાનક આજે મળનારી કેબિનેટ બેઠક પણ મોકૂફ રાખવામાં આવી હતી અને હવે વિસ્તરણ પછી જ કેબિનેટ બેઠક મળે એવી સંભાવના છે. બે દિવસ ભાજપના તમામ ધારાસભ્યો અને મંત્રીઓને ગાંધીનગરમાં હાજર રહેવા માટે સૂચના આપવામાં આવી છે.







