અમરેલી: શહેરના ચક્કરગઢ રોડ પર કરોડો રૂપિયાના ખર્ચે બનેલો રેલવે અંડરપાસ હવે વિવાદમાં આવ્યો છે. તાજેતરમાં જ લોકાર્પણ થયેલા આ અંડરપાસમાં ટૂંકા ગાળામાં જ અનેક ખામીઓ સામે આવતા સ્થાનિકો અને વાહનચાલકોમાં રોષ ફેલાયો છે.

ઊંચા સ્પીડબ્રેકર બન્યા માથાનો દુખાવો
અંડરપાસ પાસે બનાવવામાં આવેલા સ્પીડબ્રેકર નિયમ કરતાં વધુ ઊંચા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. જેના કારણે ટુ-વ્હીલર ચાલકો સ્લિપ થવાના બનાવો સામે આવી રહ્યા છે. સાથે જ નાની ફોર-વ્હીલર ગાડીઓના નીચેના ભાગ અડી જવાથી વાહનોને નુકસાન થઈ રહ્યું હોવાનું વાહનચાલકો જણાવી રહ્યા છે.

ગટર જાળીઓ વારંવાર તૂટી રહી
અંડરબ્રિજની બંને બાજુ પાણીના નિકાલ માટે મૂકવામાં આવેલી લોખંડની જાળીઓ નબળી ગુણવત્તાની હોવાનો આક્ષેપ છે. સ્થાનિકો મુજબ, એક જ મહિનામાં ત્રણ વખત આ જાળીઓ તૂટી ચૂકી છે. તૂટેલી જાળીઓ અકસ્માતને ખુલ્લું આમંત્રણ આપી રહી છે.

સ્ટ્રીટ લાઈટોની અછતથી રાત્રે જોખમ
અંડરપાસની આસપાસ પૂરતી સ્ટ્રીટ લાઈટોની વ્યવસ્થા નથી. રાત્રિના સમયે અંધારાના કારણે સ્પીડબ્રેકર અને તૂટેલી જાળીઓ સ્પષ્ટ દેખાતી નથી, જે ગંભીર અકસ્માતનું કારણ બની શકે છે. વાહનચાલકો માટે રાત્રે આ માર્ગ પરથી પસાર થવું જોખમી બની રહ્યું છે.

સ્થાનિકોની માંગ અને આંદોલનની ચીમકી
ચક્કરગઢ રોડના રહીશો અને વાહનચાલકો દ્વારા તંત્ર સમક્ષ તાત્કાલિક માંગણીઓ કરવામાં આવી છે:
હાલના જોખમી સ્પીડબ્રેકર દૂર કરી યોગ્ય માપના નવા બ્રેકર બનાવવામાં આવે
ગટર જાળીઓને મજબૂત અને ટકાઉ બનાવવામાં આવે
સમગ્ર અંડરપાસ વિસ્તારમાં નવી અને પૂરતી સ્ટ્રીટ લાઈટો કાર્યરત કરવામાં આવે. સ્થાનિકોનો આક્ષેપ છે કે કરોડો રૂપિયાનો ખર્ચ છતાં કામમાં ગુણવત્તાનો અભાવ જોવા મળે છે. જો વહેલી તકે સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

હવે તંત્ર આ મુદ્દે કેટલા ઝડપથી અને અસરકારક પગલાં લે છે તે જોવું રહ્યું.