અમરેલી જિલ્લાના પ્રવાસે પધારેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમરેલી જિલ્લાના ધારી ખાતે રુ.૩૨.૧૩ કરોડના ખર્ચે નિર્મિત નેક્સ્ટ જનરેશન પોલીસ સ્ટેશન, ડી.વાય.એસ.પી. કચેરી અને અમરેલી શહેર અને સાવરકુંડલા ખાતે નવનિર્મિત આવાસોનું લોકાર્પણ કર્યું હતું.
સમય સાથે કદમ મિલાવતા ભવિષ્યની જરુરિયાતો ધ્યાનમાં લઈ પોલીસતંત્ર દ્વારા આધુનિક ઢબે નવા પોલીસ સ્ટેશન સહિતની વ્યવસ્થાઓનું નિર્માણ કરવામાં આવ્યું છે. ધારી ખાતે નેક્સ્ટ જનરેશન પોલીસ સ્ટેશનનું મુખ્યમંત્રી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ અવસરે મુખ્યમંત્રી એ ધારી પોલીસ સ્ટેશનમાં ઉભી કરવામાં આવેલી વ્યવસ્થાઓનું નિરિક્ષણ કર્યું હતું.
૧,૪૩૩ અંદાજે ચોરસ મીટર બિલ્ટઅપ એરિયા ધરાવતું આ પોલીસ સ્ટેશન ગ્રાઉન્ડ સહિત બે માળ ધરાવે છે અને આ પોલીસ સ્ટેશનમાં ગાર્ડ રુમ, સેલિપોર્ટ, મુદ્દામાલ રૂમ, જનરલ વેઈટિંગરુમ, પી.એસ.ઓ વાયરલેસ, લેડીઝ-જેન્ટ્સ લોકઅપ રુમ, પી.એસ.આઈ. રુમ અને પી.આઈ. રુમ, ઈન્ટ્રોગેશન રૂમ સહિતની સુવિધાઓથી સજ્જ છે. આ જ રીતે ૪૮૮.૮૮ અંદાજે ચોરસ મીટર બિલ્ટઅપ એરિયામાં ડી.વાય.એસ.પી કચેરી તૈયાર કરવામાં આવી છે, જેમાં આધુનિક સુવિધાઓ છે.
પોલીસ સ્ટેશન સાથે અમરેલી જિલ્લાના ધારી પોલીસ સ્ટેશન ખાતે રુ.૫૬૮.૯૫ લાખના ખર્ચે ૧,૯૬૩ ચો.મી બિલ્ટઅપ એરિયામાં બંધાયેલ કક્ષા બી-૩૨,સી-૦૧ તથા ઈ-૦૧ આવાસોનું તકતી અનાવરણ કરી લોકાર્પણ કર્યું હતું. તેવી જ રીતે અમરેલી સીટી પોલીસ લાઈન ખાતે રુ.૯૦૦ લાખના ખર્ચે ૬,૨૯૦ ચો.મી વિસ્તારમાં નિર્મિત કક્ષા બી-૫૬ (પી+૭) આવાસોનું, તેમજ સાવરકુંડલા ખાતે રુ.૯૦૦ લાખના ખર્ચે ૬,૨૯૦ ચો.મી બિલ્ટઅપ એરિયામાં બી-૫૬ (પી+૭) આવાસોનું તથા ખાંભા પોલીસ સ્ટેશન ખાતે રુ.૨૬૬.૨૧ લાખના ખર્ચે ૧,૯૬૩ ચો.મી બિલ્ટઅપ એરિયામાં કક્ષા બી-૧૬ અને સી-૦૧ આવાસોનું લોકાર્પણ પણ મુખ્યમંત્રી એ કર્યું હતું.
આ અવસરે, સાંસદ ભરતભાઈ સુતરિયા, વિધાનસભા નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયા, ધારાસભ્ય સર્વ મહેશભાઈ કસવાલા, જે.વી.કાકડીયા, જિલ્લા કલેક્ટર અજય દહિયા, ભાવનગર રેન્જ આઈ.જી. ગૌતમ પરમાર, જિલ્લા પોલીસ વડા હિમકર સિંઘ સહિતના મહાનુભાવો તથા પોલીસ તંત્રના અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.







