અશોક મણવર, બગસરા /અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના સમઢિયાળા ગામે પ્રાથમિક શાળા ખાતે તાલુકા કક્ષાની 77મી પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી યોજાઈ હતી. 26મી જાન્યુઆરીના રોજ યોજાયેલા આ કાર્યક્રમમાં મામલતદાર પ્રશાંત ભીંડીના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.
ધ્વજવંદન બાદ પોલીસ જવાનો દ્વારા શિસ્તબદ્ધ પરેડ યોજાઈ હતી, જેમાં બગસરા પોલીસ સ્ટેશનના પી.આઈ. આઇ.જે. ગીડા મેડમ સહિતનો પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. મામલતદાર પ્રશાંત ભીંડી સાહેબે પોતાના સંબોધનમાં દેશના બંધારણ, લોકશાહી મૂલ્યો અને નાગરિકોની ફરજ અંગે પ્રેરણાદાયી સંદેશ આપ્યો હતો.
પ્રજાસત્તાક દિનની ઉજવણી નિમિત્તે વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિના અવનવા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા, જેના કારણે સમગ્ર કાર્યક્રમસ્થળ દેશભક્તિમય માહોલથી ગુંજી ઉઠ્યું હતું.
કાર્યક્રમના અંતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું તેમજ ઉત્તમ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે તાલુકા પંચાયતના અધિકારીઓ, પદાધિકારીઓ, ગ્રામજનોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી.
સમઢિયાળા ગામે યોજાયેલી આ ઉજવણી પ્રજાસત્તાક દિનની ભાવનાને ઉજાગર કરતી યાદગાર બની રહી હતી.







