અમરેલીના સાંસદ છેલ્લા ઘણા સમયથી સતત ચર્ચામાં છે. જ્યારથી પૂર્વ સાંસદ કાછડિયાની ટિકિટ કપાઈ ત્યાર બાદ ભરત સુતરીયાને ટિકિટ આપવામાં આવી હતી. અને ભરત સુતરીયા ચર્ચામાં આવ્યા. ત્યારે હવે અમરેલીમાં ખેડૂતો મામલે GSTના અધિકારીઓ અને સાંસદ વચ્ચે ભારે બોલાચાલી થઈ હોવાની વિગતો સામે આવી રહી છે. અમરેલી બાયપાસ પાસેથી પસાર થતાં ખેડૂતોના વાહનોને અટકાવીને GSTના અધિકારીઓ ચેકિંગ કરીને ખોટી રીતે હેરાન કરતા હોવાની રજૂઆત કરાતાં સાંસદ ભરત સુતરિયા ઘટનાસ્થળે પહોંચ્યા પરિસ્થિતિનો તાગ મેળવી અને GS અધિકારીઓને જાહેરમાં તતડાવી નાંખ્યા હતા. અને અધિકારીઓને કહી દીધું કે, ફરિયાદ કરવી હોય તો મારા પર કરો.

અમરેલી બાયપાસ વિસ્તારમાંથી પસાર થતા ખેડૂતો અને કેટલાક વેપારીઓના વાહનોને GST વિભાગના મોબાઈલ સ્ક્વોડના અધિકારીઓ ચેકિંગ કરતા હતા. આ દરમિયાન વેપારીઓના ચેકિંગ દરમિયાન ખેડૂતોના પણ કેટલાક ડોક્યુમેન્ટ માંગતા વિવાદ સર્જાયો હતો. અને આ વિવાદની જાણ સાંસદને થતાં જ ભરત સુતરિયા તુરંત ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સાંસદે GST અધિકારીઓને તતડાવ્યા હતા.

સાંસદે અધિકારીઓને તતડાવ્યા
સાંસદ ભરત સુતરિયા અધિકારીઓ પર રોષે ભરાયા હતા અને જણાવ્યું હતું કે, તમે ભલે વેપારીઓનું ચેકિંગ કરો પણ ખેડૂતોને હેરાન ન કરશો. ખેડૂતો ક્યારેય સાત-બારના ડોક્યુમેન્ટ સાથે લઇને નહીં ફરે. તમારે પકડવા હોય તો પકડી લેજો અને મારા નામની ફરિયાદ ફાડી નાંખજો. તમે મહેરબાની કરીને ખેડૂતોને હેરાન ન કરતાં, તમે ગમે ત્યાં ખેડૂતોને ઉભા રાખીને હેરાન કરો છો એ ચલાવી નહીં લેવાય. આ બાદ મામલો થાળે પડ્યો હતો.