અમરેલી જિલ્લામાં ટ્રેન ઉથલાવવાના પ્રયાસ થયો બાદ હવે કલેકટર કચેરીને બોમ્બની ધમકી મળી છે. સરનામું અને ઓળખ ગુપ્ત રાખી ઇ-મેઇલ મળ્યો હતો. જેમાં 10 લીટીમાં ધમકીભરી ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ઈમેલ મળ્યા બાદ સ્થાનિક પોલીસ એક્શનમાં આવી છે.
ઈમેલમાં રામજન્મભૂમિ મંદિર અને કલેક્ટર ઓફિસમાં 4 બોમ્બ ફૂટશે તેવી ધમકી આપવામાં આવી હતી. ધમકી મળ્યા બાદ ડિઝાસ્ટર મામલતદાર અશોકકુમાર મકવાણાએ ફરિયાદ નોંધાવી છે.
બોમ્બની ધમકીને લઈને અમરેલી કલેક્ટર કચેરીમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જોકે કોઈ શંકાસ્પદ વસ્તુ હાથ ન લાગતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. તંત્રએ ત્વરિત પગલાં લીધા હતા અને યુદ્ધના ધોરણે તપાસ કરી હતી. ડિઝાસ્ટર કચેરીના અધિકારી અશોકકુમાર મકવાણાએ મેઇલ કરનાર અજાણ્યા શખ્સ સામે સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
નોંધાયો ગુનો
કલેકટર કચેરીની કામગીરીમાં ખલેલ પહોંચાડી લોકોમાં ભય ફેલાવી ધમકી ભર્યા મેઈલ અંગે અજાણ્યા શખ્સો સામે ભારતીયા ન્યાય સંહિતાની કલમ 351( 4), 353 (1), (B) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.







