રાજ્યમાં અકસ્માતની ઘટનામાં સતત વધી રહ્યા છે. આ દરમિયાન અકસ્માતની વધુ એક ઘટના સામે આવી છે. અમદાવાદ-ઉદયપુર નેશનલ હાઇવે પર મોડાસાના ગળાદર નજીક નેશનલ હાઈવેના પુલ પરથી કાર નીચે પટકાતાં શામળાજીથી દર્શન કરી પરત જતા પરિવારને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર એક જ પરિવારના ચાર લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં.

અમદાવાદ ઉદયપુર નેશનલ હાઇવે પર મોડાસાના ગળાદર નજીક શામળાજી મંદિરે દર્શન કરી પરત જતા પરિવારને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં નેશનલ હાઈવેના પુલ પરથી લગભગ 35 ફૂટ નીચે કાર પટકાઈ હતી, જેથી કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો ને કારમાં સવાર એક જ પરિવારના ચારેય લોકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. મૃતકોમાં એક મહિલા અને બે પુરુષ તેમજ એક બાળકીનો સમાવેશ થાય છે.

અકસ્માતની ઘટનાને લઈને ટિંટોઈ પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. મૃતકોને હાલ શામળાજી સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયા છે. મળતી માહિતી મુજબ મૃતકો નડિયાદ બાજુના છે.