ચૂંટણી જંગનું એલાન, જાણો ક્યારે અને કેટલા તબક્કામાં યોજાશે ચૂંટણી…

છેલ્લા કેટલાક દિવસથી જે દિવસની રાહ જોવાઈ રહી હતી તે ઘડી આજે આવી ગઈ છે. કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા આજે લોકસભા ૨૦૨૪ની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. લોકસભાની ચૂંટણી સાત તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કો 19 એપ્રિલથી શરૂ થશે અને તમામ સાત તબક્કાના મતદાન બાદ 4 જૂને ચૂંટણી પરિણામો જાહેર કરવામાં આવશે. વિધાનસભાની 26 બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે. બિહાર, ગુજરાત, હરિયાણા, મહારાષ્ટ્ર, ઝારખંડ, હિમાચલ, રાજસ્થાન, તમિલનાડુમાં પેટાચૂંટણી યોજાવાની છે. તમામ 26 વિધાનસભાઓ પર પેટાચૂંટણી યોજાશે.

આ વખતે ૯૭ કરોડ મતદાતા મતદાન કરશે. જેમાં ૪૯.૭૨ કરોડ પુરુષ મતદાતા છે તો ૪૭.૧૫ કરોડ મહિલા મતદાતાઓ છે. બાકીના અન્ય થર્ડ જેન્ડર મતદાતાઓ છે. આ વખતે ૧૦.૫ લાખ પોલિંગ બુથ હશે અને કુલ ૧.૫ કરોડ કર્મચારીઓ ચૂંટણી પ્રક્રિયામાં જોડાશે. પારદર્દશક ચૂંટણી યોજવા માટે અને તમામ પડકારોને ઝિલવા ચૂંટણી પંચ આ 4M પર ધ્યાન આપશે. ક્રિમિનલ રેકોર્ડ ધરાવતા ઉમેદવારોએ અખબારોમાં તેમની વિગતો પ્રકાશિત કરાવવી પડશે. કાગળનો ઉપયોગ લઘુતમ કરવામાં આવશે. 85 વર્ષથી વધુ વયના મતદારોને ઘરેથી મતદાન કરવાની સુવિધા અપાશે. બે વર્ષથી ચૂંટણીના આયોજન માટે તૈયારીઓ કરવામાં આવી રહી હતી. દરેક બુથ પર પીવાનું પાણી, ટોયલેટની વ્યવસ્થા પણ હશે. 12 રાજ્યોમાં પુરુષ કરતા મહિલા મતદારોની સંખ્યા વધુ છે.