રાજકોટમાં વધુ એક નબીરાએ સર્જાયો અકસ્માત : માતા-પુત્રના ઘટના સ્થળે મોત…

રાજકોટમાં ગુરૂવારે મોડી રાત્રે મેટોડામાં હિટ એન્ડ રનની ગોઝારી ઘટના બની છે. સમગ્ર ઘટનામાં એક મહિલા સહિત ત્રણ વ્યક્તિઓને વર્ના કારચાલક દ્વારા અડફેટે લીધા છે. ત્યારે સમગ્ર મામલે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન 21 વર્ષીય શીલાદેવી ચંદન શાહ તેમજ તેના દોઢ વર્ષીય પુત્ર અંકુશ ચંદન શાહનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું

સમગ્ર ઘટનામાં ઘાયલ થયેલા શીલાદેવી ચંદન શાહના ભાઈ રાજા પાસવાનને પણ ઇજા પહોંચતા તેની હાલ સારવાર રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે ચાલી રહી છે. પરિવારજનો મૂળ બિહારના વતની હોવાનું સામે આવ્યું છે.

મૂળ બિહારના વતની અને છેલ્લા 1 વર્ષથી મેટોડામાં રહેતા ચંદનકુમાર શાહની પત્ની શીલુદેવી (ઉ.વ 21) પોતના 2 વર્ષના પુત્ર અંકુશ ચંદનકુમાર શાહને પોલીયોની રસી મુકાવવાની હોય શીલુદેવી તેના ભાઈ રાજા કૈલેશભાઈ પાસવાન (ઉ.વ 12)સાથે મેટોડામાં આવેલ હોસ્પિટલે ગઈ હતી. રસી મુકાવી માતા-પુત્ર અને ભાઈ સાથે પરત ઘરે જતી હતી ત્યારે મેટોડાના મણી મંદિરની સામે રોડ ક્રોસ કરતી વેળા ત્રણેયના વર્ના કાર ચાલકે ઉલાળ્યા હતા.અકસ્માત સર્જી કાર ચાલક કાર મૂકી ભાગી ગયો હતો.

હિટ એન્ડ રનનો બનાવ બનતા ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકોના ટોળા એકત્ર થયા હતા અને ત્રણેય લોકોને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતથી ગંભીર ઇજા થતા ત્રણેયને પ્રથમ સારવાર મેટોડાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યા તેઓની હાલત વધુ નાજુક હોય વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ટુકી સારવાર દરમિયાન શીલુંદેવી તેમજ તેમના પુત્ર અંકુશનું મોત થયું હતું. જ્યારે રાજા કૈલેશભાઈ પાસવાનની હાલત પણ ગંભીર હોવાનું તબીબો એ જણાવ્યું છે.

આ બનાવના પગલે મેટોડા પોલીસ મથકનો સ્ટાફ રાજકોટ દોડી આવ્યો હતો. અને અકસ્માત સર્જનાર કાર ચાલક સામે ચંદનકુમાર શાહની ફરીયાદ લઇ ગુનો નોંધ્યો હતો. કાર રેઢી મૂકી ફરાર થઇ ગયેલ કાર ચાલકની મોડીરાતે ઓળખ મળી હતી.આ હીટ એન્ડ રનમાં પોલીસે ખીરસરાના શખ્સની ધરપકડ કરી હતી.

અકસ્માત સર્જનાર કારચાલક ચિરાગ વાગડિયા મોડી રાત્રે ઝડપાયો

મેટોડામાં હિટ એન્ડ રનની ઘટનામાં વર્ના કારના ચાલકે માતા-પુત્ર સહિત ત્રણને ઠોકરે ચડાવ્યા હોય કાર નીચે કચડાઈ જવાથી માતા-પુત્રનાં મોત થયા હતાં. આ બનાવમાં પોલીસે તપાસ કરી માતા-પુત્રને કચડી મારનાર કારના ચાલક ખિરસરાના ચિરાગ ભીખાભાઈ વાગડીયાની મોડીરાત્રે ધરપકડ કરી હતી. પોલીસે ચિરાગનું મેડીકલ પણ કરાવ્યું છે તે નશો કરેલી હાલતમાં પુરપાટ ઝડપે કાર ચલાવતો હતો કે કેમ ? તે જાણવા માટે પોલીસે તેનું મેડીકલ કરાવ્યું હતું. આ બનાવમાં ચિરાગ ભીખા વાગડીયાની વધુ પુછપરછ શરૂ કરાઈ છે.