વિનેશ ઓલિમ્પિકમાં કોઈપણ કેટેગરીની ફાઇનલમાં પહોંચનારી ભારતની પ્રથમ મહિલા રેસલર છે. પુરૂષ વર્ગમાં સુશીલ કુમાર અને રવિ દહિયાને ઓલિમ્પિક ફાઈનલ રમવાનો અનુભવ છે, પરંતુ આ બંને માત્ર સિલ્વર મેડલ જીતી શક્યા હતા. આવી સ્થિતિમાં વિનેશ પાસે કુસ્તીમાં દેશની પ્રથમ ગોલ્ડ મેડલ વિજેતા બનવાની તક હશે. વિનેશ રિયો અને ટોક્યો ઓલિમ્પિકમાં ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી હતી.
વિનેશ ફોગાટ ઓલિમ્પિકની ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ભારતીય મહિલા રેસલર બની હતી. તેણે પેરિસ ઓલિમ્પિકમાં 50 કિલોગ્રામ મહિલા કુસ્તી વર્ગમાં ક્યુબાની ગુઝમેન લોપેઝને 5-0થી હરાવીને ગોલ્ડ મેડલ જીતવાની દિશામાં એક પગલું ભર્યું હતું. અગાઉ, તેણીએ અત્યાર સુધીની અજેય ડિફેન્ડિંગ ચેમ્પિયન યુઇ સુસાકીને હરાવીને મોટો અપસેટ સર્જ્યો હતો અને યુક્રેનની ઓક્સાના લિવાચને હરાવીને સેમિફાઇનલમાં જગ્યા બનાવી હતી. આ જ લયને જાળવી રાખીને તેણે લોપેઝને 5-0ના માર્જિનથી માત આપી અને ફાઈનલ માટે જગ્યા ફાઇનલ કરી . આ ઈવેન્ટની ફાઈનલ બુધવારે રમાશે. વિનેશ અમેરિકાની સારાહ એન હિલ્ડેબ્રાન્ડના પડકારનો સામનો કરશે.
વિનેશ તેની શરૂઆતની મેચથી જ શાનદાર ફોર્મમાં દેખાતી હતી. તેણે શરૂઆતના રાઉન્ડમાં ટોચની ક્રમાંકિત સુસાકીને 3-2થી હરાવીને મોટો અપસેટ સર્જ્યો હતો. ટોક્યો ગેમ્સની સુવર્ણ ચંદ્રક વિજેતા અને ચાર વખતની વિશ્વ ચેમ્પિયન સુસાકીએ અગાઉ તેણીની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં રમાયેલી 82 મેચોમાંથી એકપણ મેચમાં હારનો સામનો કરવો પડ્યો નથી. જાપાનની આ ખેલાડીને આ ગેમ્સની પહેલી જ મેચમાં કેવા પડકારનો સામનો કરવો પડશે તેનો ભાગ્યે જ અંદાજ હતો. વિનેશે છેલ્લી થોડી સેકન્ડોમાં મેચનો પલટો કર્યો અને 3-2થી યાદગાર જીત નોંધાવી. ત્યાર બાદ તેણીએ ક્વાર્ટર ફાઇનલમાં ભૂતપૂર્વ યુરોપિયન ચેમ્પિયન અને 2018 વર્લ્ડ ચેમ્પિયનશિપ બ્રોન્ઝ મેડલ વિજેતા લિવાચના પડકારને 7-5થી હરાવ્યો હતો.
તેણીએ સેમિફાઇનલમાં આ વલણ ચાલુ રાખ્યું અને ક્યુબન કુસ્તીબાજને પોઈન્ટ મેળવવાની કોઈ તક આપી ન હતી. લોપેઝે શરૂઆતના રાઉન્ડમાં વિનેશના પગને પકડી રાખવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેણીની વધુ પડતી રક્ષણાત્મક રમતને કારણે ભારતીય કુસ્તીબાજને એક પોઈન્ટની સરસાઈ મળી. પ્રારંભિક રાઉન્ડમાં લીડ લીધા બાદ, વિનેશે બીજા રાઉન્ડની આક્રમક શરૂઆત કરી અને પ્રતિસ્પર્ધી રેસલરના જમણા પગ પર મજબૂત પકડ રાખીને 5-0ની લીડ મેળવી. ત્યારબાદ ક્યુબન કુસ્તીબાજે વિનેશને પકડવાનો પ્રયાસ કર્યો પરંતુ વિનેશના ઉત્તમ બચાવને કારણે તેનો પ્રયાસ નિષ્ફળ ગયો.
વિનેશ ફોગાટ ઓલિમ્પિકની ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ભારતીય મહિલા કુસ્તીબાજ બની, ભારત માટે બીજો મેડલ કન્ફર્મ થયો.
રમી રહી છે ત્રીજી ઓલમ્પિક
29 વર્ષની વિનેશ, તેની ત્રીજી ઓલિમ્પિક રમી રહી છે, તે હવે આ ગેમ્સમાં તેના પ્રથમ મેડલથી માત્ર એક જીત દૂર છે. વિનેશે ઓલિમ્પિક સિવાય દરેક મોટી રમતમાં મેડલ મેળવ્યા છે. જેમાં કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ, એશિયન ગેમ્સ મેડલ, બે વર્લ્ડ ચેમ્પિયનશિપ બ્રોન્ઝ અને એશિયન ચેમ્પિયનશિપ મેડલનો સમાવેશ થાય છે. જોકે, તે રિયો અને ટોક્યો ઓલિમ્પિકમાં મેડલ જીતી શકી નહોતી.